વડોદરાઃ તાંદલજામાં પાંચ દિવસ પહેલાં પતિનું મોત નીપજાવનાર પત્ની ગુલબાનુની પોલીસે પૂછપરછ કરતાં તેણે પોપટની જેમ પતિ ઇર્શાદની હત્યાની કબૂલાત કરી લીધી હતી. જેથી પોલીસે તેને મદદ કરનાર પ્રેમી અને પ્રેમીના મામાની તપાસ હાથ ધરી છે.
તાંદલજાના ચોતરાવાળા ફળિયામાં રહેતા ત્રણ સંતાનના પિતા ઇર્શાદ અબ્દુલ કરીમ બંજારાનું ગઇ તા.૧૮મીની મધરાતે મોત નીપજતાં પત્ની ગુલબાનુએ સગાં સંબધીઓને જાણ કરી હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.પરંતુ તેની હરકતો શંકાસ્પદ લાગતાં મૃતકના ભાઇ ઇમ્તિયાજે જે પી રોડના પીઆઇ એનજે સોહાગિયાને જાણ કરી હતી.
પોલીસે પાંચ દિવસ બાદ કબરમાંથી ઇર્શાદનો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવતાં ગળે ટૂંપો અને માથે ઇજાને કારણે મોત નીપજ્યું હોવાની વિગતો ખૂલી હતી. જેથી ડીસીપી મંજીતા વણઝારા સહિતના અધિકારીઓએ ઇર્શાદની પત્ની ગુલબાનુની પૂછપરછ કરતાં તે પડી ભાંગી હતી.
ગુલબાનુએ તેના પ્રેમી તૌસિફ સાથે પ્લાન બનાવ્યો હતો.રાતે પતિને ઘેનયુક્ત દૂધ પીવડાવતાં તે નીચે ચટાઇ પર સૂતો હતો. ગુલબાનુએ વોટ્સએપ કોલ કરી તૌસિફ અને તેના મામા મહેતાબને બોલાવ્યા હતા. ગુલબાનુએ ઇર્શાદના પગ પકડી રાખ્યા હતા. જ્યારે તૌસિફે મોંઢે ઓશિકું દબાવી દીધું હતું.તેના મામાએ દુપટ્ટો ગળામાં નાંખી ફાંસો આપ્યો હતો.ઇર્શાદે તરફડિયાં મારતાં તૌસિફે જોરથી તેનું માથું પછાડયું હતું.ઇર્શાદ શાંત થઇ જતાં હત્યારા મામા-ભાણેજ રવાના થઇ ગયા હતા.જેથી બંનેને પકડવા પોલીસની ટીમો મુંબઇ જનાર છે.
પતિની હત્યા કરતાં પહેલાં બંને પ્રેમી હોટલમાં મળ્યા,તૌસિફે ગોળીઓ આપી
પતિને મોતને ઘાટ ઉતારવા માટે ગુલબાનુ અને તેનો પ્રેમી તૌસિફે કેવી રીતે પ્લાન બનાવ્યો તેની માહિતી પોલીસને મળી છે.ગુલબાનુએ કબૂલ્યું હતું કે,તા.૧૮મીએ તૌસિફ વડોદરા આવ્યો હતો અને અકોટાની મિલન હોટલમાં રોકાયો હતો,જ્યાં હું તેને મળવા ગઇ હતી.તૌસિફે મને ઊંઘની ગોળીઓ આપી હતી અને રાતે પતિને ગોળીઓ આપ્યા બાદ વોટ્સએપ કોલ કરવા કહ્યું હતું.પોલીસે કહ્યું છે કે,ગુલબાનુએ તેના પતિને રાતે દસેક વાગે ગોળીઓ મિશ્રણ કરેલું દૂધ પીવડાવ્યું હતું અને તૌસિફને વોટ્સએપ કોલ કરતાં તે રાતે એકાદ વાગે તેના મામા સાથે આવી ગયો હતો.
સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસની દોડધામ
પતિની ઘાતકી હત્યા કરવાના બનાવ અંગે ડીસીપીએ એકપછીએક પુરાવા એકત્રિત કરવા માટે પોલીસની ટીમો કામે લગાવી છે.આ ગુનામાં ફોરેન્સિકનો રિપોર્ટ મહત્વનો છે.આ ઉપરાંત અકોટાની હોટલ તેમજ તૌસિફ તાંદલજા આવ્યો તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા પોલીસની ટીમો દોડધામ કરી રહી છે.
ગુલબાનુ અને તૌસિફના મોબાઇલની કોલ્સ ડીટેલ અને ચેટની તપાસ થશે
પોલીસ વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ,તાંદલજાના ઘાતકી હત્યા કેસમાં પોલીસ દ્વારા ગુલબાનુના ફોનની ડીટેલ મેળવવામાં આવનાર છે.આ ઉપરાંત તૌસિફ પકડાય તો તેનો ફોન પણ પોલીસ માટે મહત્વનો સાબિત થશે.પોલીસ મોબાઇલની કોલ્સ ડીટેલ ઉપરાંત બંને પ્રેમી વચ્ચે થયેલી ચેટ માટે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લેશે.


