દરિયાઈ જીવો દરિયાઈ તોફાનમાં સ્વ બચાવ કેવી રીતે કરે છે?
માછલીમાં સંવેદનશીલ અંગો હોય જે દરિયાના તરંગોની ગતિને મનુષ્ય પહેલા ઓળખી લે છે
વડોદરા, તા. 12 જૂન 2019, બુધવાર
કુદરતના તાંડવ સામે કોઈ જીવ ટકી શક્તો નથી. તેમ છતા ઘણીવાર વાવાઝોડા, ભૂકંપ જેવી પરિસ્થિતિમાં માણસોને રેસ્ક્યુ કરી બચાવી લેવાય છે પરંતુ ક્યારેય વિચાર કર્યો છે કે આ સમયે દરિયાઈ જીવો કેવી રીતે પોતાનો જીવ બચાવતા હશે?
એમ.એસ.યુનિ.ના ઝુઓલોજી વિભાગના પ્રો.મંકોડીએ જણાવ્યું કે, મનુષ્ય પહેલા દરિયાઈ જીવોને વાવાઝોડુ કે દરિયાઈ તોફાન આવવાની પહેલા ખબર પડી જાય છે. તેમના શરીરમાં અમુક પ્રકારના સંવેદનશીલ અંગો આવેલા છે જેને કારણે દરિયાઈના બદલાતા તરંગ અને પ્રવાહ તુરંત ઓળખી લે છે. જેને લઈને તેઓ પોતાનો જીવ બચાવવા જ્યાં સુધી દરિયાઈની અંદર જઈ શકે ત્યાં જતા રહે છે. કારણકે કિનારે મોજા ઉછળતા આ જીવો જમીન પર આવી જાય છે જ્યાં તેઓને પોતાનો જીવ બચાવવો મુશ્કેલ થઈ જાય છે. આ સમયે માછલીઓ મોટી સંખ્યામાં એટલે કે ઝૂંડમાં દરિયાની અંદર તરફ નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરતી હોય છે જે 'ફીશ સ્કૂલ' તરીકે ઓળખાય છે.
માછલીઓના શરીરમાં ભીંગડાની અંદર ઝીણા-ઝીણા સંવેદનશીલ અંગો આવેલા હોય છે. ઉપરાંત તેને કાન નથી હોતા પરંતુ ખોપડીના ભાગમાં આવેલ સંવેદનશીલ અંગ દરિયાના વધતા તરંગો અને તેનો અવાજ ઓળખી લેતા હોય છે. તેવી જ રીત દરિયાઈ કાચબાના મસ્તિકમાં પણ ખાસ રચના હોય જે દરિયાના બદલાતા પ્રવાહનો તુરંત અનુભવ કરી લેતા હોય છે. તેમ છતાં અમુક દરિયાઈ સૃષ્ટિઓ વાવાઝોડાનો શિકાર બની જતી હોય છે.