મોટા ઉપાડે એસ.ઓ.પી.જાહેર કરાયા પછી અમદાવાદમાં ગરબા યોજવા ૫૮માંથી માત્ર બેની ફાયર એન.ઓ.સી.કલીયર

અમદાવાદ,શુક્રવાર,19
સ્પટેમ્બર,2025
અમદાવાદમાં જાહેર સ્થળ તેમજ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવા
કોર્પોરેશનના ફાયર વિભાગ તરફથી મોટા ઉપાડે ૩૨ અલગ અલગ મુદ્દાનુ પાલન આયોજકો પાસે
કરાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બહાર પાડી હતી.બીજી તરફ શુક્રવાર સાંજ
સુધીમાં શહેરના વિવિધ સ્થળે ગરબા યોજવા ફાયર વિભાગને કુલ ૫૮ ઓનલાઈન અરજી મળી
હતી.જે પૈકી માત્ર બેને ફાયર એન.ઓ.સી. અપાઈ હોવાનું ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ
કહયુ છે.સોમવારથી નવરાત્રિ શરુ થાય છે તે અગાઉ બે દિવસમાં ફાયર વિભાગ બાકીના ૫૬
સ્થળની તપાસ કરી કઈ રીતે એન.ઓ.સી. આપી શકશે એ અંગે આયોજકો અને ખેલૈયાઓમાં પણ તર્ક-વિતર્ક ચાલી રહયા છે.
અમદાવાદ ફાયર વિભાગના ઈતિહાસમાં નજીકના વર્ષોમાં કયારેય
જોવા મળી ના હોય એવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. વિભાગમાં કયાં કેવી રીતે
શું કાર્યવાહી ચાલી રહી છે એ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસે પણ પુરતી માહીતીનો અભાવ જોવા
મળ્યો છે. જે સમયે એસ.ઓ.પી.જાહેર કરાઈ હતી એ સમયે ઈવેન્ટ(ગરબા) શરુ થવાના ત્રણ
દિવસ પહેલા આયોજકોને અરજીની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવા પણ
સુચના આપવામા આવી હતી.અગાઉના વર્ષોમાં શહેરમાં ગરબા શરુ થતા પહેલા જ મોટાભાગના
આયોજકોને ફાયર એન.ઓ.સી. સ્થળ તપાસ પુરી કરી આપી દેવાતી હતી.સોમવારથી નવરાત્રિ શરુ
થાય છે આમ છતાં ચીફ ફાયર ઓફિસર એવો દાવો કરે છે કે, સોમવાર સુધીમાં બધુ કલીયર થઈ જશે.એનો અર્થ એ પણ થઈ શકે કે
ફાયર એન.ઓ.સી. માટે આવેલી અરજીઓ ઉપર છેલ્લી ઘડીએ ખેલ પાડી કલીયરન્સ આપી
દેવાશે.ફાયર એન.ઓ.સી. નહીં હોય એવા સ્થળે કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની
એ મુદ્દે કોઈ બોલવા તૈયાર થતુ નથી.








