Get The App

વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
વસો તાલુકામાં આવાસ કૌભાંડ : 46 બોગસ લાભાર્થીઓના નામે ઉચાપતનો આક્ષેપ 1 - image


પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે ડીડીઓને રજૂઆત

2020થી અત્યાસ સુધી છ ગામમાં બોગસ લાભાર્થીઓને અમુક રકમ ચૂકવાઇ : મનરેગા અંતર્ગત મજૂરી-વળતરમાં પણ ગેરરિતીનો આરોપ

નડિયાદ: ખેડા જિલ્લાના વસો તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (પીએમએવાય-જી) અંતર્ગત કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાયો છે. વસોના જ એક અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને વિસ્તૃત રજૂઆત કરી છે. જેમાં વર્ષ ૨૦૨૦થી આજદિન સુધી ૪૬ બોગસ લાભાર્થીઓના નામે સરકારી આવાસ મંજૂર કરીને લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.

વસોના અલિન્દ્રા ગામના અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને કરેલી આક્ષેપ સાથેની અરજૂઆતમાં જણાવ્યું છે કે, વસો તાલુકાના કરોલી, મલિયાતજ, મિત્રાલ, પેટલી, પીજ અને થલેડી ગામોમાં પીએમએવાય-જી અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અંદાજે કુલ ૪૬ બોગસ લાભાર્થીઓના નામે સરકારી આવાસો મંજૂર કરાયા છે. આમાં કરોલીમાં ૪, મલિયાતજમાં ૭, મિત્રાલમાં ૬, પેટલીમાં ૧૧, પીજમાં ૮ અને થલેડીમાં ૧૦ આવાસોનો સમાવેશ થાય છે. ફરિયાદીએ આ તમામ બોગસ લાભાર્થીઓના નામ, અરજી ક્રમાંક અને મંજૂર કરાયાના વર્ષ સહિતની ચોક્કસ વિગતો રજૂ કરી છે, જે સરકારી રેકોર્ડ મુજબની હોવાનો દાવો કર્યો છે. આ કૌભાંડ મૂળ વિસ્તરણ અધિકારી દિનેશ રોહિતે આવાસ માટેના સર્વે દરમિયાન જ ચોક્કસ ગામોના માનીતા તલાટીઓ અને સરપંચો સાથે સાંઠગાંઠ કર્યા બાદ ગામના અસાક્ષર વિસ્તારોમાંથી એવા નાગરિકોને લાભાર્થી બનાવવાનું નક્કી કર્યું, જેમને ભલે કાચા-પાકા મકાન હોય, છતાં આવાસની ફાળવણીની લાલચ આપીને સહાયની રકમમાંથી આથક લાભ આપવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ, દિનેશ રોહિતના મળતીયાઓએ આવા લાભાર્થીઓના દસ્તાવેજો એકત્ર કરી આવાસના ફોર્મ ભરાવ્યા હતા. તલાટી અને સરપંચની સહી-સિક્કા મેળવી, સ્થળ સ્થિતિ ચકાસ્યા વિના અને લાભાર્થીઓ પાસે મકાન હોવા છતાં આવાસોને પ્રાથમિકતા આપી મંજૂરી અપાવી હતી. 

સરકારી મંજૂરી બાદ લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તો જમા થતાં, અગાઉ નક્કી કર્યા મુજબ અમુક રકમ લાભાર્થીને આપી દેવાઈ અને બાકીના નાણાં સરપંચ, તલાટી અને દિનેશ રોહિતે હડપ કરી લીધી હોવાનો આક્ષેપ કરાયો છે. બીજા અને ત્રીજા હપ્તા માટે દિનેશ રોહિતે એક જ મકાનના અલગ-અલગ એંગલથી લીધેલા બોગસ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો અને આ ફોટોગ્રાફ્સના આધારે હપ્તાઓની મંજૂરી મેળવી, લાભાર્થીને ચોક્કસ રકમ આપીને બાકીના નાણાં ચાઉં કરી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. પીએમએવાય-જીની ૧.૨૦ લાખની સહાય ઉપરાંત, મનરેગા અંતર્ગત મળતા મજૂરી, પ્રોત્સાહન વળતરની જુદી-જુદી રકમ મળી કુલ ૧.૭૦ લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ પણ મુક્યો છે.

- સરપંચ, તલાટી અને વિસ્તરણ અધિકારીની સંડોવણીનો આરોપ

આ કૌભાંડમાં સ્થાનિક તલાટીઓ, સરપંચો અને તાલુકા પંચાયતના જવાબદાર કર્મચારીઓ, ખાસ કરીને વિસ્તરણ અધિકારી અને આવાસ યોજનાનો હવાલો સંભાળતા દિનેશ રોહિતની સીધી સંડોવણી હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જે-તે ગામના સરપંચ અને તલાટીઓ સહિતના મળતીયાઓ શામેલ હોવાનો આરોપ મુકાયો છે. ફરીયાદીએ આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરીને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- વર્ગ-1ના અધિકારી પાસે નિષ્પક્ષ તપાસની માંગણી

ફરીયાદીએ આ મામલે વર્ગ-૧ના અધિકારીઓની દેખરેખ હેઠળ એક તપાસ ટીમ બનાવી તપાસ ટીમ દ્વારા ફરીયાદીએ આપેલી યાદીવાળા તમામ લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવે અને તેમને ખરેખર યોજના હેઠળ આવાસ મળ્યા છે કે કેમ, તેની સ્થળ ચકાસણી કરવામાં આવે. વધુમાં, સરકારી રેકોર્ડ તપાસીને કબજે લેવામાં આવે અને રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સનું ફોરેન્સિક (એફએસએલ) પરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.

- કયા મુદ્દાઓને લઈ આવાસ કૌભાંડના આક્ષેપ કરાયા

- આવાસના પ્રાથમિક સર્વેમાં જ લાભાર્થીઓ નક્કી કરી દેવાયા અન બોગસ લાભાર્થીઓની પસંદગી પહેલાથી જ કરાઈ

- પ્રાથમિકતા રાખી આવા લાભાર્થીઓને મંજૂરી આપી

- પ્રથમ હપ્તો પડયા બાદ નાણાંકીય વ્યવહારોની શરૂઆત

- સ્થળ પર આવાસ ન બનાવી અને બીજો અને ત્રીજો હપ્તો નાખવા બોગસ ફોટોગ્રાફ્સનો ઉપયોગ

- મનરેગા હેઠળ મજૂરીમાં પણ ઉચાપત અને પ્રોત્સાહન રકમમાં પણ આથક લાભો

- જ્યાં મકાન હોય ત્યાંથી ફોટો લેવાયા, ભ્રષ્ટાચારનો પ્રશ્ન જ નથી ઃ વિસ્તરણ અધિકારી

આ સમગ્ર કૌભાંડ સંદર્ભે વિસ્તરણ અધિકારી અને આવાસની કામગીરી સંભાળતા દિનેશભાઈ રોહિતે જણાવ્યુ છે કે, એવુ કંઈ પણ થયું નથી. બધુ જ નિયમોનુસાર થયેલું છે. જે સ્થાને મકાન હોય ત્યાંથી ફોટો લેવાય એટલે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ નથી.


Tags :