Gujarat

39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે

By GS TEAM
20 Apr 20262 mins read
39 ટકા શહેરીજનોના મતે જીએસટીમાં સુધારા પછી પણ ઘરખર્ચ વધ્યો છે

વડોદરાઃ કેન્દ્ર સરકારે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જીએસટીમાં ધરખમ સુધારા કર્યા હતા અને જીવન જરુરિયાતની ઘણી ખરી વસ્તુઓ પરનો જીએસટી ઘટાડયો હતો.જીએસટી રિફોર્મને આઠ મહિના થઈ ચૂકયા છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એમકોમના એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના ભાગરુપે જીએસટી રિફોર્મની ખરીદ શક્તિ પર થયેલી અસરને જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો.

કિર્તિ મિસ્ત્રી, ઈશિતા દેસાઈ, અમનદીપ કૌર તથા ફાતિમા ખાન નામના સ્ટુડન્ટસે પોતાના ગાઈડ ડો.મિતુલ પરમારના માર્ગદર્શન હેઠળ વડોદરામાં ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે અલગ અલગ વયજૂથના ૭૫ નાગરિકોને સર્વેના ભાગરુપે સવાલો પૂછયા હતા.જેનું તારણ એ છે કે, ૩૯ ટકાને લાગે છે કે, જીએસટીમાં બદલાવ પછી પણ દર મહિને થતા ઘરખર્ચમાં વધારો થયો છે તો ૪૨ ટકાએ આ બાબતે કોઈ જવાબ આપ્યો નહોતો.જોકે ૪૨ ટકા શહેરીજનોએ એવું પણ  કહ્યું હતું કે, જીએસટીના સુધારાના કારણે ખરીદ શક્તિમાં વધારો થયો છે.આ સર્વેમાં સામેલ ૬૨ ટકા લોકો એવા હતા કે જેમની પાસે કોઈ લાઈફ ઈન્સ્યોરન્સ નથી અને ૫૮ ટકા એવા હતા કે જેમની પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ નથી.સર્વે કરનાર ટીમનું કહેવું છે કે, ઈન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ અંગે મોટાભાગનાએ વાત કરવાનું ટાળ્યું હતું પણ ઈન્સ્યોરન્સ કંપનીઓએ સામાન્ય માણસને પરવડી શકે તેવા ઈન્સ્યોરન્સ પ્લાન આપવાની અને સરકારે જીએસટી રિફોર્મસ અઁગે વધારે જાગૃતિ લાવવાની જરુર છે.

બહુમતી લોકોએ કહ્યું કે જીએસટીમાં સુધારા બાદ વસ્તુઓના ભાવ વધ્યા

સરકારે જીએસટીમાં સુધારા પછી હવે મુખ્યત્વે  શૂન્ય, પાંચ ટકા અને અઢાર ટકા એમ ત્રણ જ સ્લેબ રહ્યા છે ત્યારે શહેરીજનોએ  વિવિધ મુદ્દા પર અભિપ્રાય આપ્યા હતા.

--૮૩ ટકાને જીએસટીમાં થયેલા સુધારા વધારા અંગે જાણકારી હતી પણ ૧૬ ટકા હજી  પણ અજાણ હતા.

--૩૫ ટકા લોકોએ કબૂલ્યું હતું કે, કોઈ પણ વસ્તુ ખરીદયા પછી બિલમાં જીએસટી કેટલા ટકા છે તે ક્યારેક જ જોઈએ છે

--જીએસટી સુધારા બાદ દર મહિને ખર્ચ ઘટયો તેવા સવાલના જવાબમાં ૨૦ ટકાએ હા પાડી હતી અને ૩૪ ટકાએ ના પાડી હતી તો ૪૨ ટકાએ કશું કહેવાનું ટાળ્યું હતું.

--૩૯ ટકા લોકોએ કહ્યું હતું કે, જીએસટીમાં થયેલા સુધારા હવે ખરીદીના નિર્ણયને પ્રભાવિત કરે છે

--૧૬ ટકાને ખબર જ નહોતી કે ટુ વ્હીલર પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે

--૬૦ ટકા લોકોએ કહ્યું હતું કે, જીએસટી સુધારા બાદ ઘણી વસ્તુઓના ભાવ વધ્યા છે

--૫૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે દૂધ, દહીં, ઘી, માખણ, ચીઝ પાછળ દર મહિને ૨૦૦૦ થી માંડી ૪૦૦૦  રુપિયાનો ખર્ચ થાય છે