Get The App

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે

આવશ્યક અને સેમી આવશ્યક એકમો નક્કી કરાયા ઃ શૈક્ષણિક સંસ્થાઓને ૧૦૦ ટકા કોમર્શિયલ એલપીજી મળશે

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે 1 - image

વડોદરા, તા.20 ખાડી યુધ્ધના પગલે એલપીજીની અછત ના સર્જાય તે માટે તેના ઉપયોગ પર અંકુશ મૂકી કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને કોમર્શિયલ સેક્ટર માટે એલપીજીના ઉપયોગ અંગે ક્યા સેક્ટરને કેટલા ટકા કોમર્શિયલ મળશે તે નિર્ધારિત કરવામાં આવ્યું છે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના નિયામક દ્વારા બહાર પડાયેલી સૂચના મુજબ ઘરગથ્થુ એલપીજી કનેકશનોને પીએનજી કનેક્શનોમાં ડાયવર્ટ કરવા ભાર મૂકવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ એલપીજીમાં ઘરગથ્થુ એલપીજીનો ઉપયોગ રોકવા માટે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની જોગવાઇઓ મુજબ પગલા લેવા તેમ જણાવાયું છે. તંત્ર દ્વારા કોમર્શિયલ એલપીજી બાબતે અલગ અલગ સેક્ટરોને આવશ્યક અને સેમી આવશ્યક તરીકે વર્ગીકૃત કરી તે મુજબની ટકાવારી મુજબ એલપીજી સિલિન્ડરોની ફાળવણી કરવામાં આવશે.

સૂચના મુજબ હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓને ૧૦૦ ટકા એલપીજીનું વિતરણ કરાશે જ્યારે ધાર્મિક સંસ્થાઓ જે છેલ્લા ઓછામાં ઓછા એક વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોય તેમજ લોકોને નિયમિત ભોજન આપતી હોય તેના છેલ્લા છ માસના ઉપયોગને ધ્યાને લઇ ૧૦ ટકા મર્યાદામાં કોમર્શિયલ એલપીજીનો જથ્થો ફાળવાશે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ધાબાને પણ ૧૦ ટકા જ જથ્થો અપાશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ઘરગથ્થુ એલપીજીનો દુરુપયોગ રોકવા માટે વિવિધ સ્થળોએ પુરવઠાખાતાની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંક સ્થળોએ કોમર્શિયલના બદલે ઘરગથ્થુ એલપીજી બોટલનો ઉપયોગ થતો હોવાનું જણાતા કાર્યવાહી કરવામાં આવી છે.