Gujarat

પાર્કિંગ મુદ્દે હોટલ માલિક ઉપર છરાથી હુમલો ઃ ત્રણ સામે ગુનો

By GS TEAM
23 Aug 20252 mins read
પાર્કિંગ મુદ્દે હોટલ માલિક ઉપર છરાથી હુમલો ઃ ત્રણ સામે ગુનો

ગાંધીનગર નજીક આવેલા શેરથા પાસે

હોટલ આગળ ટ્રકો પાર્ક થતી હોવાથી મોપેડ પાર્ક કરવાની ના પાડતા ગામના શખ્સોએ માર માર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા શેરથા પાસે ગઈકાલે રાત્રે હોટલ આગળ મોપેડ પાર્ક કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા બે શખ્સોએ અન્ય વ્યક્તિને બોલાવીને હોટલ માલિક ઉપર છરાથી હુમલો કરાવી માર્યો હતો. ઘાયલ વેપારીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શેરથા ગામ ખાતે રહેતા અને શેરથામાં રાજ પુરોહિત નામની હોટલ ચલાવતા યુવાન અશોકસીંગ નરસીંગજી રાજપુરોહીત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રે તેઓ હોટલ બંધ કરીને તેમની હોટલ આગળ ઉભી રહેતી ટ્રકોને યોગ્ય પાકગ કરાવતા હતા. આ સમયે મોપેડ ઉપર બે યુવાનો ત્યાં આવ્યા હતા અને ટ્રકોની પાછળ મોપેડ પાર્ક કરતા તેમને અટકાવ્યા હતા. જેના પગલે આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે અમે આ ગામના જ છીએ અને તમે અમને પાર્ક કરવાની ના પાડો છો. તેમ કહીને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં તેમણે ફોન કરીને એક અન્ય વ્યક્તિને બોલાવ્યો હતો. જે બાઇક પર લોખંડનો છરો લઈને આવ્યો હતો.આ વ્યક્તિએ અશોકસીંગ પર છરી વડે હુમલો કર્યોે હતો. તેણે પોતાનો હાથ ઊંચો કરતાં તેને ડાબા હાથના કાંડા અને કોણીની વચ્ચેના ભાગે છરી વાગી હતી. જેના કારણે લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત, મોપેડ પર આવેલા બે શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનાને પગલે હોટલના કર્મચારીઓ અને ગામના અન્ય વ્યક્તિઓ ત્યાં દોડી આવતા જેથી આ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નીકળી ગયા હતા. બીજી બાજુ ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા શેરથા ગામના પ્રકાશ ભરતજી ઠાકોર અને મુન્નો બાબુજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે છરાથી હુમલો કરનાર અન્ય વ્યક્તિની પણ શોધખોળ શરૃ કરવામાં આવી છે.