- કરમસદ-આણંદ મનપાના આરોગ્ય, મેલેરિયા વિભાગની ઝુંબેશ
- આરોગ્ય વિભાગ દ્વારા મનપા વિસ્તારમાં ખાણી-પીણીના એકમો, હોટલમાં સ્વચ્છતા રાખવા તાકિદ
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય અને કોઈપણ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ હોટલ, મોલ, રહેણાંક વિસ્તાર, મલ્ટિપ્લેક્સ જગ્યાએ ખાસ ઝુંબેશ શરૂ કરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સ્વચ્છતાના અભાવે વિદ્યાનગરની હોટલ 'જેડી'ને રૂ.૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.
વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ હોટલ જેડી, આર. કે. કોમ્લેક્સ, વિદ્યાનગર, મોટાબજારમાં ભોઇરામાં પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતા હોટલના સંચાલક પાસેથી રૂપિયા ૧૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, હોટલના સંચાલકને ભોયરામાં જે પાણી ભરાઈ રહે છે, તેના લીધે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી હોવાથી, અને આજુબાજુના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોવાથી, આ જગ્યા ઉપર બે દિવસમાં તાત્કાલિક અસરથી સ્વચ્છતા કરવા માટે જણાવવામાં આવ્યું છે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા ખાણીપીણીના એકમો, હોટલ ખાતે સ્વચ્છતા રાખવામાં આવે તે ખૂબ જ જરૂર છે, તેમ જણાવી મનપાના આરોગ્ય વિભાગની ઝુંબેશ ચાલુ રહેશે, તેમાં કોઈપણ જગ્યાએ સ્વચ્છતાનો અભાવ જોવા મળશે તો કાયદાની જોગવાઈને આધીન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.


