Gujarat

હોસ્ટેલ માલિક સહિત 3 અને 56 છાત્રોને રૂા. 38 લાખના ચૂનો ચોપડયો

By GS TEAM
8 Aug 20252 mins read
હોસ્ટેલ માલિક સહિત 3 અને 56 છાત્રોને રૂા. 38 લાખના ચૂનો ચોપડયો

રાજકોટમાં આવેલા બેંગલુરૂના દંપતીએ  છાત્રોની રહેવા-જમવાની ફી પણ ઓળવી ગયા : કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો 

રાજકોટ, : બેંગલુરૂના પી. સૂર્યનારાયણ રેડ્ડી ઉર્ફે વિક્ટર ઓબુલ રેડ્ડી અને તેની પત્ની અર્ચનાએ રાજકોટમાં ભાડાની હોસ્ટેલ શરૂ કરી હોસ્ટેલ માલિકના, મારવાડી કોલેજના ૫૬ વિદ્યાર્થીઓના અને અન્ય બે જણાના મળી કુલ રૂા. ૩૮.૬૭ લાખ ઓળવી લીધાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી રોડ પરના રામપાર્ક મેઇન રોડ પર રહેતા ઉદયભાઈ મકવાણા બેડી માર્કેટિંગ યાર્ડ સામે દેવ દ્વારકાધીશ નામની હોસ્ટેલ અને રેસ્ટોરન્ટ ધરાવે છે. તેની રેસ્ટોરન્ટમાં પી. સૂર્યનારાયણ રેડ્ડી અવારનવાર ચા પીવા આવતો હતો. એક દિવસ તેને તેની હોસ્ટેલ ભાડે આપવાનું કહ્યું હતું. બધું નક્કી થઇ જતાં રૂા. 1.11 લાખના ભાડે હોસ્ટેલ રાખી હતી. જ્યાં આંધ્રા રૂચુલુ નામની હોસ્ટેલ શરૂ કરી હતી. જ્યાં મારવાડી કોલેજના છાત્રો રહેતા હતા અને જમતા હતા.

આવા 56 છાત્રો પાસેથી પી. સૂર્યનારાયણ રેડ્ડી અને તેની પત્નીએ રહેવા અને જમવાની ફી વસૂલી લીધી હતી. શરૂઆતમાં હોસ્ટેલનું ભાડુ સમયસર આપ્યું હતું. પરંતુ પાછળથી ભાડું આપવાનું બંધ કરતાં ઉદયભાઈ ગયા હતા તે વખતે પી. સૂર્યનારાયણ રેડ્ડીએ કહ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓની ફી જમા થઇ નથી, જેને કારણે મારી પાસે તમારૂં ભાડુ આપવા માટે પેમેન્ટ નથી, ફી આવ્યે તમારૂં ભાડુ એકસાથે આપી દઇશ. 

ત્યાર પછી ગઇ તા. 24ના રોજ ભાડુ લેવા જતાં છાત્રો તરફથી જાણવા મળ્યું હતું કે પી. સૂર્યનારાયણ રેડ્ડી અને તેની પત્ની હોસ્ટેલથી જતાં રહ્યાં છે.તેમનો મોબાઇલ ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો છે. ઉદયભાઈને ચાર મહિનાના ભાડાના રૂા. 4.40 લાખ લેવાના હતાં. આ ઉપરાંત 56 વિદ્યાર્થીઓના જમવા અને રહેવાની ફી ઉપરાંત બાજુમાં સાઉથ ઇન્ડિયન કેન્ટીન ધરાવતા ગંગાધર અને આદિત્યા રાજકમલસિંહના રૂા. 10 લાખ મળી કુલ રૂા. 38.67 લાખ આપવાના હતાં. જે ઓળવી ભાગી જતાં આખરે બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.