ધોરાજી હાઈવે પર ખાદ્ય તેલ ભરેલા ટેન્કર અને બસ વચ્ચે ટક્કર, 10 મુસાફરને ઈજા, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
Dhoraji Accident: રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પોરબંદરથી અમદાવાદ તરફ જતી ખાનગી બસ અને ખાદ્ય તેલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાંથી પાંચ મુસાફરો વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયા છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ધોરાજીમાં રોયલ સ્કૂલ નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા હતા.
અકસ્માતને કારણે ટેન્કરમાંથી ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, જે લેવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી. ધોરાજી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.