Get The App

સૌરાષ્ટ્રમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની આસ્થાપૂર્વક ઉજવણી

Updated: Apr 2nd, 2022

GS TEAM


Google News
Google News

મહામારીના પગલે બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે ઉજવણી માટે છવાયો ઉમંગ

સૌરાષ્ટ્રમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની આસ્થાપૂર્વક ઉજવણી 1 - image

રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, વેરાવળ, ધોરાજી, મેંદરડા, બાંટવા, રાજુલા, ચોરવાડમાં પૂજન, આરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ભવ્ય આયોજનો

રાજકોટ, : આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચાંદ અને ઝુલેલાલ જયંતિની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે બે વર્ષના અંતરાલ બાદ આ વર્ષે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરાઇ હતી. રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ધોરાજી, મેંદરડા, બાંટવા, વેરાવળ, સોમનાથ, રાજુલા, ચોરવાડ સહિતના સ્થળોએ પૂજન, આરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા. જ્યારે ઝુલેલાલ મંદિરોમાં સવારથી દર્શનાર્થે ભાવિકોની ભીડ રહી હતી.  * રાજકોટમાં સિંધી સમાજ દ્વારા નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝુલેલાલ જયંતિની ઉમંગભેર ઉજવણી થઇ હતી. રામનાથપરા ખાતે આવેલા હરમંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રા શહેરમાં ફરી હતી. તેનું ઠેર - ઠેર સ્વાગત કરાયું હતું. જ્યારે ભાટિયા બોર્ડિંગ ખાતે સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાતા સિંધી સમાજ ઉમટયો હતો.  * જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિર સૌ પ્રથમ આરતી કર્યા પછી સાડા આઠેક વાગ્યાના અરસામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક યુવાનો જોડાયા હતા. ત્યારબાદ આ બાઈક રેલી ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિરે પહોંચી હતી જ્યાં 10.30 વાગ્યે સમુહ યજ્ઞાોપવિત નો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ઝુલેલાલ મંદિર સામે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બપોર ચાર વાગ્યે નાનકપુરી વિસ્તારમાંથી વિશાળ શોભાયાત્રા નિકળી હતી, જે નગરના માર્ગો પર ફરીને રાત્રીના 9.30 વાગ્યે ત્રણબત્તી વિસ્તારમાં પૂર્ણ થઈ હતી. જ્યાં કેક કટિંગ કરીને ઝુલેલાલ જયંતીની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી હતી. * અમરેલીમાં સિંધી સમાજ દ્વારા આજે વેપાર-ધંધા બંધ રાખીને ચેટીચાંદની ઉજવણી કરાઈ હતી. બપોરે ડો.જીવરાજ મહેતા ચોકમાં ઠંડા સરબત અને ચણાનાં પ્રસાદનું વિતરણ કરાયું હતું. સાંજે રાજમાર્ગો પર વિશાળ વરણાંગી કાઢવામાં આવી હતી. જે ગાંધીબાગ પાસે સુખઅમરધામ ખાતે પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. * મોરબીમાં ઝૂલેલાલ જયંતી નિમિતે સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધુ ભવન ખાતે સવારે ધ્વજારોહણ, બપોરે આરતી અને મહાપ્રસાદ તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. * વેરાવળમાં ચેટીચાંદ નિમિત્તે બંદર રોડ ઉપર લીલા શાહ ભવનથી વાજતે ગાજતે, ફલોટ્સ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. પ્રભાસપાટણમાં પણ સાંજે શોભાયાત્રા યોજાઇ હતી. રાજુલામાં પણ  સિંધી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ચેટીચાંદની ઉજવણી થઇ હતી. પૂજન, શોભાયાત્રા સહિતના આયોજનો થયા હતા. ચોરવાડમાં ઝુલેલાલ જયંતિ નિમિત્તે ઝુલેલાલ મંદિરે ધ્વજારોહણ, જયોત પ્રાગટય, આરતી, પલ્લવ સાહેબ, લંગરપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 

* બાંટવા ગામમાં પણ 2 વર્ષ પછી ચેટીચાંદની ભવ્ય ઉજવણી બાંટવા સમસ્ત સિંધી સમાજ દ્વારા કરાઇ હતી. સવારે 5 વાગ્યે ઝુલેલાલ મંદિર તળાવમાં અને સવારે 6 વાગ્યે ઝુલેલાલ મંદિર મોટા ઝાંપામાં ભગવાન ઝુલેલાલ સાહેબના જન્મદિવસની કેક કાપીને આરતી અને પ્રસાદી આપી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર ઝુલેલાલ સાહેબની પાલખી સાથે શોભાયાત્રા યોજાઇ હતી. બપોરે પટેલ બોર્ડિંગમાં સમસ્ત સિંધી સમાજ અને અન્ય સમાજ માટે મહાપ્રસાદ યોજાયો હતો.  * મેંદરડામાં ચેટીચાંદની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. ગુરૂદ્વાર પર મહાઆરતી તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.  * ધોરાજી સમસ્ત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતિ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા આયો લાલ ઝુલેલાલના નાદ સાથે શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. આ સમયે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વઘાસીયા ચોરા પાસે આવેલા ઝુલેલાલ સાહેબના મંદિર ખાતે યાત્રા પૂર્ણ થયેલ હતી. 

Tags :