હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિતનીં ગેંગે રૂ. 20 લાખ માંગ્યા
મૂળ બોટાદના વતનીને જુની સહકર્મી વરાછાની અસ્મીતા ભરડવાએ કતારગામના ફ્લેટમાં મળવા બોલાવ્યો : ત્યાં પોલીસ સ્વાંગમાં 3 યુવાન પહોંચી ગયા દુષ્કર્મ કેસની ધમકી આપી બળાત્કારના કેસની ધમકી આપી : રકઝક બાદ રૂ. 5 લાખ લેવા તૈયારી દર્શાવી પણ તે પણ નહી મળતા ચારેય જણા યુવાનને મારીને ભાગી ગયા
સુરત/ બોટાદ : સુરતના અમરોલી જુના કોસાડ રોડ ખાતે રહેતા અને હીરાના કારખાનામાં નોકરી કરતા મૂળ બોટાદના યુવાનને હનીટ્રેપમાં ફસાવી ત્રણ મહિલા સહિતની ટોળકીએ રૂ. 20 લાખની માંગણી કરી હતી.રકઝક બાદ 5 લાખની માંગણી કરી તે રકમ પણ યુવાનથી નહીં થતા ચારેય તેને માર મારી ભાગી ગયા હતા.એસઓજીએ તમામને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના વતની અને સુરતમાં અમરોલી જુના કોસાડ રોડ ખાતે પત્ની, બે પુત્ર અને પરિવાર સાથે રહેતા 44 વર્ષીય નરેશભાઈ ( નામ બદલ્યું છે ) વરાછા મીનીબજાર ખાતે હીરાના કારખાનામાં એસોર્ટ વિભાગમાં નોકરી કરે છે.તેમની સાથે 5 વર્ષ અગાઉ અસ્મીતા બાબુભાઈ ભરડવા ( રહે.વરાછા, સુરત ) નોકરી કરતી હતી.તે સમયે બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને બાદમાં તે નોકરી છોડીને ચાલી ગઈ હતી.ગત નવમીએ નરેશભાઈ સંબંધી અસ્મીતાબેનને બદલે ભૂલથી અસ્મીતા ભરડવાને ફોન લાગી જતા ફરી તેઓ સંપર્કમાં આવ્યા હતા અને રોજ વાતચીત તેમજ વિડીયો કોલ થતા હતા.અસ્મીતા નરેશભાઈને મળવા પણ કહેતી હતી.
ગત સવારે અસ્મીતાએ ફરી નરેશભાઈને મળવા કહેતા તેમણે બપોરે મળવાનું કહ્યું હતું અને અસ્મીતાએ લોકેશન મોકલતા તે પોતાની બાઈક લઈ બે વાગ્યે કતારગામ લીંબાચીયા ફળીયા પહોંચ્યા હતા.ત્યાં અસ્મીતા લેવા આવી હતી અને તેમને સ્વસ્તીક ફ્લેટસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરવાળા એક ફ્લેટમાં લઈ ગઈ હતી જ્યાં અગાઉથી બે મહિલા હાજર હતી.મહિલાઓએ નરેશભાઈ અને અસ્મીતાને અલગ રૂમમાં બેસીને વાત કરવા કહેતા અસ્મીતા નરેશભાઈને ફ્લેટના અંદરના રૂમમાં બેસવા લઇ ગઈ હતી.બંને બેસીને વાત કરતા હતા ત્યારે અસ્મીતાએ નરેશભાઈના શર્ટના બટન ખોલતા તેને રોકી હતી.તે સમયે અસ્મીતાએ પોતાના કપડાં કાઢવાનું શરૂ કર્યું હતું.ત્યારે જ 3 અજાણ્યા અંદર આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈકાર્ડ બતાવી પોતાના નામ સુમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુભાઈ તરીકે આપી વીડીયો ઉતારી ફોટો પાડી પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરત નરેશભાઈ ગભરાઈ ગયા હતા.
તે સમયે અન્ય એક યુવાન રૂમમાં આવ્યો હતો.પોલીસ તરીકે ઓળખ આપનાર ત્રણેયે તેમની ઓળખ મોટા સાહેબ અમિત મશરૂ સર તરીકે આપી હતી.મોટા સાહેબે અસ્મીતા અને નરેશભાઈને હાથકડી પહેરાવડાવી નરેશભાઈને થપ્પડ મારી ચાલ પોલીસ સ્ટેશન બળાત્કારનો કેસ દાખલ કરવાનો છે તેમ કહેતા નરેશભાઈએ આજીજી કરી હતી.આથી મોટા સાહેબે રૂ. 20 લાખ આપે તો હમણાં જ છૂટો કરીશ તેમ કહ્યું હતું.જોકે, તેટલી રકમની નહીં પણ રૂ. 1 લાખની વ્યવસ્થા થશે તેમ કહેતા મોટા સાહેબે નરેશભાઈને ફરી પોલીસ સ્ટેશન લઈ જવા કહી બાદમાં રકઝક બાદ રૂ. 5 લાખમાં પતાવટ કરવા કહી મિત્રને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહેતા તમામ તેમની હથકડી ખોલી મિત્રને કિરણ હોસ્પિટલ પૈસા લઈ આવવા કહ્યું હતું.
4 પોલીસવાળા પૈકી સુમિત મશરૂ નરેશભાઈને તેમની બાઈક પર પાછળ બેસાડીને કિરણ હોસ્પિટલના મેઈન ગેટ સામે લઈ ગયો હતો.ત્યાં નરેશભાઈના મિત્ર અને નરેશભાઈના ભાઈ આવ્યા હતા.પણ તેઓ પૈસાની વ્યવસ્થા કરી શક્યા નહોતા.આથી સુમિત મશરૂ નરેશભાઈને બે મુક્કા મરી પાંચ વાગ્યે ચાલ્યો ગયો હતો.બાદમાં નરેશભાઈએ આ અંગે કતારગામ પોલીસ મથકમાં અસ્મીતા બાબુભાઈ ભરડવા ( રહે.વરાછા, સુરત ), સુમિત મશરૂ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુભાઈ તથા બે અજાણી સ્ત્રી વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી.દરમિયાન, આ બનાવમાં એસઓજીએ તમામ આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.