પવિત્ર શ્રાવણ માસનો કાલથી શુભારંભ : શિવ મંદિરો ભોલેનાથના નાદથી ગુંજશે
Vadodara : પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી શુભારંભ થતાં ભક્તોથી શિવ મંદિરો સહિત તમામ મંદિરો ઉભરાશે. શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. આજે દિવાસાના તહેવારની પરિવારમાં અનોખી રીતે ઉજવણી થશે. જ્યારે આદિવાસી પરિવારોની માન્યતા છે કે દિવાસાના 100મા દિવસે વર્ષની સમાપ્તિ નિમિત્તે દિવાળીનું પર્વ હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. જેમાં અનેક લોકો શ્રાવણ માસમાં એક ટાઈમ ભોજન અને ઉપવાસ પણ કરતા હોય છે. જ્યારે દેવોના દેવ મહાદેવ માટે શ્રાવણ મહિનો અતિ પવિત્ર ગણાય છે. આખો મહિનો શિવભક્તો શિવજીની અનેરી પૂજા અર્ચનાથી કરતા હોય છે અને મંદિરોમાં બીલી અને દૂધ શિવલિંગને ચડાવે છે. ઉપરાંત શિવજીની ભક્તિ આરાધના પણ ભાવપૂર્વક સમગ્ર માસ દરમિયાન કરે છે. માઇ મંદિરો પણ નવરાત્રી નિમિત્તે માઈ ભક્તોથી ઉભરાશે.
શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અનેક શિવ મંદિરોમાં ઘીના કમળના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવે છે. જ્યારે પ્રત્યેક હનુમાનજીના મંદિરો સહિત શનિ મંદિરો પણ ભક્તોથી ઉભરાશે. શ્રાવણ માસમાં અનેક લોકો એક ટાણા અને ઉપવાસ પણ કરતા હોય છે. શહેરના હરણી ખાતે આવેલ મોટનાથ મહાદેવ, ભીડભંજન હનુમાન સહિત નવા બજાર સ્થિત હનુમાન મંદિર તથા કાશી વિશ્વનાથ મંદિર સહિત પાણી ગેટ દરવાજા પાસે આવેલ અને વાડી વિસ્તાર તથા અકોટા દાંડિયા બજાર ખાતેનું શનિ મંદિર સહિત અનેક નાના-મોટા શિવ મંદિરો, શનિ મંદિરો, અને હનુમાન મંદિરમાં પવિત્ર શ્રાવણ માસનું અનેરૂ મહત્વ ગણાય છે.