Surat Education Committee School : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. આ અંગ્રેજી વર્ષના છેલ્લા દિવસે શિક્ષણ સમિતિની એક સુચનાના કારણે ફરી વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિમાં અંગ્રેજી વર્ષની શરૂઆત એટલે 1 જાન્યુઆરીના રોજ વર્ષોથી રજા જાહેર કરવામાં આવી છે પરંતુ વર્ષના છેલ્લા દિવસે દરેક સ્કૂલમાં સુચના ગઈ કે આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષોથી જાહેર થતી રજા અચાનક કેમ કેન્સલ થઈ તે અંગે અનેક અટકળો છે અને તેનો શાસકો કે તંત્રએ કોઈ ખુલાસો કર્યો નથી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષોથી પરિપત્ર જાહેર થાય છે તેમાં મકરસક્રાંતિ અને બળેવના દિવસે સુરત શિક્ષણ સમિતિમાં એક નહીં બે રજા જાહેર કરવામાં આવે છે. ગત વર્ષે પણ જે ગેઝેટેડ રજા જાહેર થઈ હતી. તેમાં 1 જાન્યુઆરીએ અંગ્રેજી નવા વર્ષની રજા જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે પણ આ વર્ષોથી ચાલી આવતી પરંપરાને ધ્યાને રાખીને અનેક શિક્ષકોએ આ રજા માટે કેટલાક આયોજન કર્યા હતા. જોકે, આજે સવારે 10 વાગ્યે સમિતિ તરફથી દરેક શાળાના આચાર્યને મેસેજ કરવામાં આવ્યા હતા જેમાં જણાવાયું છે કે, તમામ મુખ્ય શિક્ષક આવતીકાલે 1 જાન્યુઆરીના રોજ શાળા રાબેતા મુજબ શરુ રાખવાની રહેશે. સ્થાનિક રજા જાહેર કરવામાં આવી નથી.
આ મેસેજના કારણે રજાના મુડમાં આવેલા અનેક શિક્ષકોના મુડ બગડી ગયા છે. જોકે, વર્ષોથી ચાલી આવતી આ રજા કેમ કેન્સલ કરવામાં આવી છે તેનો કોઈ ફોડ પડ્યો ન હોવાથી અનેક અટકળો થઈ રહી છે.


