Gujarat

ભારે વરસાદની સ્થિતિના પગલે આજે જિલ્લાભરની શાળાઓમાં રજા જાહેર

By GS TEAM
18 Jun 20252 mins read
ભારે વરસાદની સ્થિતિના પગલે આજે જિલ્લાભરની શાળાઓમાં રજા જાહેર

- મેઘતાંડવના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી 

-  સવારથી શરૂ થયેલાં ધીમ વરસાદ બાદ બપોરે વરસાદ વધતાં વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ  

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં અવિરત પડી રહેલાં ભારે વરસાદના કારણે એક તરફ  જનજીવન ખોરવાયું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે શિક્ષણકાર્ય પર પણ વિક્ષેપ પડયો છે. ભારે વરસાદના પગલે જિલ્લા કલેકટરે આવતીકાલ બુધવારે ભાવનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ આપ્યો છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. ગતરોજ સોમવારે શહેર અને જિલ્લામાં પડેલાં ભારે વરસાદના કારણે શહેર અને જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી.તો,આજે સવારથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થતાં મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી હતી. જયારે, આજે સતત બીજા દિવસે બપોર બાદ શરૂ થયેલાં ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર એકશનમાં આવી ગયું હતું. અને જિલ્લા કલેકટરના આદેશના પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ આજે શહેર અને જિલ્લાની તમામ ખાનગી તથા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને જાણ કરી તાકિદની અસરથી બાળકોને શાળામાંથી વ્હેલી રજા આપી દેવા તાકિદ કરતાં બપોરની પાળીની શાળાઓમાં વ્હેલી રજા પડી ગઈ હતી. જયારે વરસાદના કારણે ભાવનગગર જિલ્લા કલેકટરે આવતીકાલ તા.૧૮ને બુધવારે શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, કલેકટરના આદેશ અનુસાર બુધવારે તમામ શાળાઓમાં રજા રહેશે જયારે, બુધવારના રોજ વરસાદની સ્થિતિને ધ્યાને લઈ ગુરૂવારે શિક્ષણ કાર્ય શરૂ રાખવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.