રાજકોટ અને સુરતમાં ઓનલાઇન ઠગાઇના બનાવમાં વડોદરાના યુવકની ધરપકડ
વડોદરાઃ રાજકોટ અને સુરતમાં એક જ પ્રકારે
ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇના બનાવમાં વડોદરાના યુવકની ધરપકડ
બંને બનાવમાં સંડોવણી અંગે પૂછપરછ કરાશે,બેન્ક ધારક હોવાની શક્યતા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૃપિયાની ઠગાઇના જુદાજુદા બે બનાવમાં વડોદરાના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ અને સુરતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાઇના જુદાજુદા બે કિસ્સા બન્યા હતા.જેમાં ઠગો દ્વારા વળતરની મોટી વાતો કરી લિન્ક મોકલીને રજિસ્ટ્રેશન કરાવાયું હતું અને બોગસ વોલેટમાં મોટો પ્રોફિટ બતાવી રકમ પડાવી લેવામાં આવી હતી.જેમાં રાજકોટના ઇન્વેસ્ટરે રૃ.૧૬.૬૭ લાખ અને સુરતના ઇન્વેસ્ટરે રૃ.૮.૨૪ લાખ ગૂમાવતાં સાયબર સેલમાં ફરિયાદ થઇ હતી.
પ્રાથમિક વિગતો મુજબ,આ બંને ફરિયાદોમાં વડોદરા નજીક ડભોઇ ખાતેના ભીલાપુર ગામે રહેતા આસિફ કાલુભાઇ ગરાસિયાનું નામ ખૂલ્યું હતું.જેથી તેની ધરપકડ માટે વડોદરા પોલીસની મદદ લેવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી સુરત પોલીસને સોંપ્યો છે.
નોંધનીય છે કે,ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા જુદાજુદા બહાના બતાવી નજીવા કમિશનમાં બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આવા બેન્ક ધારકો પાસેથી ઠગો લાખોની રકમ ટ્રાન્સફર કરાવી લેતા હોય છે.જેથી આ બનાવમાં પણ પકડાયેલો યુવક બેન્કનો ખાતા ધારક હોવાની શક્યતા જોવાઇ રહી છે.