Gujarat

હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર

By GS TEAM
11 Sep 20252 mins read
હિટ એન્ડ રન -ધોળકામાં પોલીસ કર્મી બાઇક ચાલકને અડફેટે લઇ ફરાર

મઘીયા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસેની ઘટના

અકસ્માતમાં બાઇક ચાલકને માથા-મણકાંમાં ઇજા ઃ સારવારમાં ખસેડાયો ઃ અકસ્માત સમયે કાર ચાલક પોલીસ કર્મી દારૃના નશામાં હોવાની ચર્ચા

ધોળકા -- ધોળકા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ધોળકા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી બાઇક ચાલકને ટક્કર મારી ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અકસ્માતના બનાવમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ધોળકામાં પોલીસકર્મી સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો છે. શહેરના મારૃતિનગર સોસાયટીમાં રહેતાં રસીકભાઇ રાઠોડ મંગળવારે બપોરે ૨ઃ૧૫ કલાકે ખેડા-બગોદરા હાઇ-વે ઉપર મઘીયા વિસ્તારમાં બાપા સીતારામની મઢુલી પાસે આવેલી મિત્રની ફનચરની દૂકાનેથી બહાર નીકળતા હતા. તે સમયે સ્પીડમાં આવતી સફેદ રંગની આરા કારે ટક્કર મારી ભાગી છૂટયો હતો. આ અકસ્માતમાં રસિકભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છ જ્યાં તેમને  માથા અને મણકાંમાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને કારણે કારનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો.

આ મામલે, અકસ્માતનો ભોગ બનેલા રસિકભાઈના પુત્ર પાર્થ રાઠોડે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોળકા રૃલર પોલીસમાં ફરજ બજાવતા મયુરસિંહ નામના પોલીસ કર્મચારીએ આ અકસ્માત કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો  છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કાર ચાલક દારૃ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.

 

પોલીસની ડ્રાઇવ વચ્ચે જ પોલીસકર્મીનું નિયમોનું સરેઆમ ઉલ્લઘંન

રાજ્યમાં એક તરફ પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. ધોળકા પોલીસ બ્લેક ફિલ્મ અને હેલ્મેટના કેસ નોંધી દંડ ફટકારી રહ્યાં છે. ત્યારે પોલીસકર્મી પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરીને કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરતો જોવા મળ્યો હતો. આવા સમયે ખુદ પોલીસ કર્મચારી દ્વારા જ આ પ્રકારનો અકસ્માત સર્જવામાં આવતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.