Get The App

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત 1 - image

મોપેડ સ્લીપ ખાઈ જતા બે મિત્રો નીચે પટકાયા અને

મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતની ઘટના બની ઃ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી

ગાંધીનગર :  અડાલજ-ઝુંડાલ રોડ પર નર્મદા કેનાલના બ્રીજ પાસે એક્ટિવા પર સવાર બે મિત્રો સ્લિપ ખાઈ જતાં નીચે પડેલા ૧૭ વર્ષીય સગીરને પાછળથી આવતા એક અજાણ્યા વાહને કચડી નાખ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સગીરનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે અડાલજ ઝુંડાલ માર્ગ ઉપર વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં સગીરનું મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના અને હાલ ચાંદખેડા ખાતે રહેતા વિરસિંઘ પુરણસિંઘ ઠાકુરે ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ૧૭ વર્ષીય પુત્ર હેમંત બુધવારના સવારે તેના મિત્ર યુવરાજ કિશોરસિંહ રાજપુત સાથે ક્રિકેટ રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. બન્ને મિત્રો એક્ટિવા પર સવાર થઈને ઝુંડાલથી અડાલજ તરફ તેમના અન્ય એક મિત્રને લેવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ નર્મદા કેનાલ બ્રીજ ઉતરીને બાલાજી કુટીર પાસે પહોંચ્યા ત્યારે અચાનક એક્ટિવા નમી પડતા બન્ને રોડ પર પટકાયા હતા. હેમંત રોડની બીજી બાજુ પટકાયો હતો. તે જ સમયે અડાલજ તરફથી પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને હેમંતને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હેમંતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેના મિત્ર યુવરાજને પણ શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ તુરંત ૧૦૮ મારફતે હેમંતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, માથામાં ગંભીર ઈજા હોવાના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.