અમદાવાદના થલતેજ બ્રિજ નજીક હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રિક્ષામાં જતા મુસાફરનું મોત
Hit and Run Case in Ahmedabad: અમદાવાદમાં વાહનચાલકો દિવસે ને દિવસે બેફામ બનતા જાય છે. શહેરમાં સતત અકસ્માતો અને હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં થલતેજ વિસ્તારમાં એક ટ્રક ચાલકે રીક્ષાને ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના થલતેજ બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં રીક્ષામાં સવાર મુસાફર રીક્ષામાંથી ઉતરી રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે મુસાફરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 24 વર્ષીય ગૌતમ ચૌહાણ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકની ઓળખ કરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ફરાર ટ્રક ચાલકની શોધખોળ કરી રહી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.