Gujarat

સેક્ટર-૪ પાસે હિટ એન્ડ રન : વૃદ્ધ દંપતિને ફંગોળીને કાર ચાલક કરાર

By GS TEAM
23 Jun 20252 mins read
સેક્ટર-૪ પાસે હિટ એન્ડ રન : વૃદ્ધ દંપતિને ફંગોળીને કાર ચાલક કરાર

ગાંધીનગરના માર્ગો ઉપર વધતા જતા અકસ્માત

દંપતિ જુના વાડજથી બાઇક ઉપર વેવાઈના ઘરે જઈ રહ્યું હતું ત્યારે અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૪ પાસે બાઈક ઉપર જઈ રહેલા વૃદ્ધ દંપતીને ફંગોળીને કારચાલક ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસે ફરાર થઈ ગયેલા કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેમાં હિટ એન્ડ રનના બનાવનો ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગઈકાલે રાત્રે શહેરના સેક્ટર ૪ પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જે સંદર્ભે અમદાવાદના જુના વાડજ ખાતે આવેલી ન્યુ ચંદ્રનગર સોસાયટીમાં રહેતા શરદકુમાર જીવનલાલ પાટડીવાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે રાત્રે તેઓ તેમના ઘરેથી તેમની પત્ની દક્ષાબેન સાથે સેક્ટર ૪ બીમાં વેવાઈના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ ખ-૧ રોડથી ગ-૧ સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સેક્ટર ૪ શનિદેવ મંદિર તરફ જતા કટ પહેલા પાછળથી પૂરઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના બાઈકને પાછળથી ટક્કર મારી હતી.

ટક્કર વાગતા મોટરસાયકલ રોડ પર ફંગોળાઈ ગયું હતું અને શરદકુમાર પાટડીવાળા તથા તેમના પત્ની દક્ષાબેન રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક તેની કાર લઈને ગ-૧ તરફ ભાગી ગયો હતો. અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકોમાંથી એક અજાણ્યા વ્યક્તિએ દંપતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં આ વૃદ્ધ દંપતીને શરીરે ફ્રેક્ચર અને દક્ષાબેનના માથાના ભાગે હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ આ ઘટના અંગે પોલીસ દ્વારા કારચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરવામાં આવી છે