Get The App

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત 1 - image

- અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી ફરાર 

- રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં ફરજ બજાવતા મૃતક યુવાનની બદલી થવાથી તે સંખેડા જતો હતો

આણંદ : નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના મોગર ગામના ઓવરબ્રીજ નજીક સોમવારની સવારે બનેલી એક હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી વાહન લઇ ફરાર થઈ ગયો હતો. 

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. માં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષકુમાર સેમ્યુઅલભાઈ ખ્રિસ્તીની તાજેતરમાં ગાંધીનગરથી સંખેડા ખાતે બદલી થઈ હતી. જેથી સોમવારની સવારે તેઓ પોતાની બાઈક લઈને સંખેડા જવા નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના મોગર ગામના ઓવરબ્રિજ નજીકથી તેઓનું બાઈક પસાર થઈ રહ્યું હતું. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી આશિષકુમારની બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ઉપર સવાર આશિષકુમાર રોડ ઉપર પટકાયા હતા અને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળ એકત્ર થઈ ગયા હતા અનેે જાણ કરાતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષકુમારને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અમિતભાઈ સેમ્યુઅલભાઈ ખ્રિસ્તીએ વાસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.