બપોરે લાલકોર્ટ નજીક હિટ એન્ડ રન પૂરઝડપે આવતી કારના ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા મોત
આરોપીની કાર રોડની સાઇડ પર પાર્ક કરેલી અન્ય ત્રણ કાર સાથે પણ અથડાઇ
વડોદરા,ન્યાય મંદિર લાલકોર્ટ નજીક આજે બપોરે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરઝડપે આવતી કારના ચાલકે રોડની સાઇડ પર પાર્ક કરેલી ત્રણ કાર અને રોડ પર જતા એક સાયકલ સવારને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ જીવણ નગર વુડાના મકાનમાં રહેતા મહેશભાઇ છોટુભાઇ વસાવા ( ઉં.વ.૫૬) ટિફિન સર્વિસનું કામ કરતા હતા. આજે બપોરે તેઓ ઘરેની સાયકલ લઇને નીકળ્યા હતા. બપોરે બે વાગ્યે તેઓ સાયકલ લઇને ન્યાયમંદિર લાલકોર્ટ નજીકથી પસાર થતા હતા. તે દરમિયાન પૂરઝડપે માર્કેટ ચાર રસ્તા તરફથી આવેલી એક કારના ચાલક તેઓને ટક્કર મારતા તેઓ ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. તેઓને માથા, મોંઢા, છાતી અને ડાબા હાથે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ કાર ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ નહીંં રહેતા નજીકમાં પાર્ક કરેલી અન્ય ચાર કાર સાથે પણ આરોપીની કાર અથડાઇ હતી. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ડ્રાઇવર તોસીફમીંયા હમીદમીયા શેખ (રહે. મહેબૂબપુરા, નવાપુરા) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાર પાર્ક કરીને ગયેલા ત્રણ કારચાલકની કારને નુકસાન
વડોદરા,
હિટ એન્ડ રનની ઘટનામાં સોખડા ગામમાં રહેતા અરવિંદભાઇ અંબાલાલ પટેલ, રાજમહેલ રોડ તાડ ફળિયામાં રહેતા રસેશ કાલીદાસ કાછીયા, અલકાપુરી અરૃણોદય સોસાયટીમાં રહેતા દર્શન વિનોદચંદ્ર પટેલની કારને પણ મોટું નુકસાન થયું હતું.
ઓવર સ્પીડના કારણે વળાંક લેતા સમયે સ્ટિયરિંગ પર કાબૂ ના રહ્યો
વડોદરા,
કાર ચાલક તૌસીફમીંયા શેખ તેના શેઠ દિનેશભાઇ અગ્રવાલની કાર લઇને નીકળ્યો હતો. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી પદ્માવતી શોપિંગ સેન્ટર તરફ જતા સમયે વધારે સ્પીડના કારણે તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. સીસીટીવી કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઇ હોઇ પોલીસે તેના ફૂટેજ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે.