ધનિયાવી રોડ પર હિટ એન્ડ રન બે મહિલાને ઉછાળી ઇકો ફરાર એક વૃધ્ધાનું મોત, અન્ય એકને ઇજા
દિવાળી મનાવવા સુરતથી વતનમાં જતા ત્રણ પુત્રોના પિતાનું પોર પાસે અકસ્માતમાં મોત

વડોદરા, તા.20 વડોદરા નજીક ધનિયાવી-કાયાવરોહણ રોડ પર હિટ એન્ડ રનની એક ઘટનામાં ઇકો ગાડીએ એક વૃધ્ધા સહિત બે મહિલાઓને અડફેટમાં લેતા વૃધ્ધાનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધનિયાવી ગામમાં મોટા ફળિયામાં રહેતા ૮૦ વર્ષના ચંદાબેન ડાભી જાંબુવા નદીના કોતરોમાં દાંતણ તોડવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ફરતી વખતે ધનિયાવીરોડ પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે તરસાલી તરફથી પૂરપાટઝડપે જતી એક ઇકો ગાડીએ ચંદાબેન તેમજ તેમની નજીક ચાલતી જતી અન્ય એક મહિલા અનસોયાબેન (ઉ.વ.૪૬)ને જોરદાર ટક્કર મારી રોડ પર ઉછાળ્યા હતાં.
અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. ધનિયાવી ગામના એક યુવાને ઇકો ગાડીનો પીછો કર્યો પરંતુ ગાડી લઇને ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ચંદાબેનનું મોત નિપજ્યું હતું જ્યારે અનસોયાબેનને સારવાર માટે ખસેડાયા હતાં.
અન્ય એક બનાવમાં ગોધરા તાલુકાના કાકડી તાલુકાના રતનપુર ખાતે રહેતો નિલેશ ફતાભાઇ પરમાર (ઉ.વ.૨૭) સુરતમાં આવેલી સિમેન્ટની પાઇપ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. દિવાળીમાં ૧૦ દિવસ રજા હોવાથી તે બાઇક લઇને પોતાના ગામ જવા નીકળ્યો હતો. દરમિયાન પોર પાસેના સર્વિસરોડ પર એક ટ્રક કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ પુત્રોના પિતા નિલેશ રોડ પર પટકાયો હતો અને તેના શરીર પર કન્ટેનરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું કરૃણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

