Get The App

ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત 1 - image

ગાંધીનગર નજીક હિંમતનગર હાઇવે ઉપરના

પોલીસે મૃતક યુવાન હિંમતનગરનો હોવાની ઓળખ કરી ઃ ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચિલોડા પાસે રસ્તો ઓળંગી રહેલા હિંમતનગરના યુવાનને હડફેટે લઈ અજાણ્યો કારચાલક ફરાર થઈ ગયો હતો. જે ગંભીર અકસ્માતમાં આ યુવાનનું મોત થયું હતું ત્યારે પોલીસે ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને શોધખોળ આદરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વધુ એક હીટ એન્ડ રનની ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા યુવાનનું મોત થયું છે. આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત રવિવારની રાત્રે એક યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન પૂર ઝડપે પસાર થઈ રહેલા વાહને તેને અડફેટે લીધો હતો અને અકસ્માત સર્જીને વાહનનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આ ઘટના અંગે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું હતું. જે ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને તપાસ કરતા આ યુવાન હિંમતનગરનો ગાયત્રી મંદિર પાસે રહેતો કમલેશ બાબુજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આસપાસ તપાસ કરી હતી અને અહીં નજરે જોનાર વ્યક્તિઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હિંમતનગર તરફથી આવી રહેલી એક કારે આ યુવાનને અડફેટે લીધો હતો અને તે થોડો દૂર જઈ ઉભી રહી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી. જોકે આ વ્યક્તિએ કારની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો. હાલ પોલીસે રાજસ્થાન પાસગની કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.