Gujarat

ચિલોડા આર્મી કેમ્પ પાસે હિટ એન્ડ રન : બાઈકના ચાલક યુવાનનું મોત

By GS TEAM
20 Jun 20252 mins read
ચિલોડા આર્મી કેમ્પ પાસે હિટ એન્ડ રન : બાઈકના ચાલક યુવાનનું મોત

ગાંધીનગરમાં વધતા જતા અકસ્માત વચ્ચે

પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો યુવાન જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર

ગાંધીનગર :  ગાંધીનગર ચિલોડા હાઇવે માર્ગ ઉપર આર્મી કેમ્પ પાસે ગઈકાલે રાત્રે બાઈક ઉપર જઈ રહેલા યુવાનને અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ આ યુવાનનું મોત થયું હતું. જે મામલે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વાહન ચાલકને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હિટ એન્ડ રનના બનાવો પણ સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા આર્મી કેમ્પ પાસે વધુ એક હી ટેન્ડ  રનની ઘટનામાં બાઈક સવાર યુવાનનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામ તાલુકાના લીહોડા ગામે રહેતા અરજણસિંહ ડાયસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમનો સૌથી મોટો દીકરો કિરણ છેલ્લા એક વર્ષથી ડભોડા ખાતે તેના મામાના ઘરે રહે છે અને આલમપુર ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. ગઈકાલે રાત્રિના સમયે તે તેનું બાઈક લઈને ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચિલોડા આર્મી કેમ્પના ગેટ નંબર એક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા તેના બાઇકને અડફેટે લેવામાં આવ્યું હતું અને અકસ્માત સર્જીને આ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ કિરણને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

જેથી અકસ્માતની આ ઘટના અંગે ચિલોડા પોલીસ દ્વારા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.