વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું મોત
દશરથના એક હિંમતવાન ગ્રામજને કાર ચાલકનો પીછો કરી ચાલકને ઝડપી પાડયો

શહેર નજીક દશરથ પાસે બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલ કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ વડોદરા - વાસદ હાઈવે પર દશરથ નજીકના બ્રિજ પાસે વાસદથી વડોદરા તરફ આવી રહેલ જુનાગઢ પાર્સિંગની કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે પતિ અને બાળકને ઓછીવત્તી ઈજા પહોંચતા સદનસીબે તેમનો બચાવ થયો હતો. મૃતક મહીલા સાવલીના લસુન્દ્રા ખાતે રહેતી ૨૬ વર્ષની તસ્લિમ હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલકે પહેલા કેળાની લારીને ટક્કર માર્યા બાદ બાઈક સવાર દંપતિને અડફેટે લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી નાસી છૂટવા કાર દોડાવી મુકી હતી. જો કે, દશરથ ગામના એક જાગૃત નાગરિકે કાર લઈ પીછો કરતા તેની કારને પણ ટક્કર મારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતા હિંમત દાખવી અકસ્માત કરનાર કારને રોકી ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માત સર્જનાર કારમાં સવાર ફેમિલી ગોરવા વિસ્તારનું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતા છાણી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


