રક્ષાશક્તિ બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના ઃ એલડીઆરપીના વિદ્યાર્થીનું મોત
ગાંધીનગરમાં માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
સાથી વિદ્યાર્થીની સાથે અમદાવાદ જઈ રહ્યો હતો તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે બપોરના સમયે રક્ષા શક્તિ બ્રિજ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં મોપેડ સવાર એલડીઆરપીના વિદ્યાર્થીનું મોત થયું હતું જ્યારે તેની સાથી વિદ્યાર્થીનીને ઈજાઓ પહોંચી હતી. જે મામલે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકને પકડવા દોડધામ શરૃ કરવામાં આવી છે.
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે હિટ એન્ડ રનના બનાવો પણ સતત વધી રહ્યા છે. જેમાં નિર્દોેષ વ્યક્તિઓનો જીવ જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ગાંધીનગરના રક્ષાશક્તિ બ્રિજ ઉપર સર્જાયેલા વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં એલડીઆરપી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયું છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદ ખાતે રહેતો ક્રિસ પ્રવિણકુમાર નાયક એલડીઆરપી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગઈકાલે બપોરના સમયે તેની સાથી વિદ્યાર્થીની સાથે મોપડ ઉપર અમદાવાદ ઘરે પરત જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન ચ ઝીરો સર્કલથી રક્ષાશક્તિ બ્રિજ તરફ જઈ રહ્યા હતા અને આ બ્રિજ ઉપર પાછળથી પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક દ્વારા તેમના મોપેડને હડફેટે લેવામાં આવ્યું હતું. જે અકસ્માતમાં રોડ ઉપર પટકાયેલા ક્રિસને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે તેની સાથી વિદ્યાર્થીનીને પણ ઇજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ક્રિસનું મોત થયું હતું. જેથી આ અકસ્માતની ઘટના સંદર્ભે તેના કૌટુંબિક મામા અલ્પેશભાઈ જીતેન્દ્રભાઈ વ્યાસની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.