ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના, ટ્રકની ટક્કરે સ્ટેનોગ્રાફરનું મોત
Gandhinagar News : રાજ્યમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક પૂરઝડપે આવતા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાને અંજામ આપીને ટ્રક ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવમાં એક સ્ટેનોગ્રાફરનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં ગાંધીનગર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના મહાત્મા મંદિર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગાંધીનગર કોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ વાઘેલા એક્ટિવા મારફતે જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી એક ટ્રક ચાલકે તેમની એક્ટિવાને ભયંકર રીતે ટક્કર મારી હતી. જેમાં દિનેશભાઈ રોડ પર પટકાયા હતા અને તેમના માથાના ભાગ પરથી ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: પૂર્વ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ગંભીર અકસ્માત, ત્રણ વ્યક્તિના કરૂણ મોત
અકસ્માતની ઘટનાને લઈને લોકો એકઠા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ-પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.