Get The App

VIDEO: 'ઓય...ઊભી રાખ...' કાર ચાલકે બાઈક ચાલકને 5 કિમી સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'ઓય...ઊભી રાખ...' કાર ચાલકે બાઈક ચાલકને 5 કિમી સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના 1 - image

Mahisagar News: મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ નજીક મોડાસા-લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલકે બાઈક અને બે બાઈક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસેડ્યા હતા. આ કાળજું કંપાવી દેનારી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે તેમને ગોધરાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. હાલમાં બાકોર પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારમાં ફસાઈ ગયું બાઈક, ચાલક નીચે પટકાયો

મળતી માહિતી અનુસાર, મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક કારની આગળના ભાગમાં ફસાઈ ગયું અને બાઈક ચાલક કારના બોનેટ પર પટકાયો હતો. તેમ છતાં, કાર ચાલકે પોતાનું વાહન રોક્યું નહોતું અને બાઈક ચાલકને તે જ હાલતમાં લગભગ 5 કિલોમીટર સુધી ઢસડતો લઈ ગયો હતો. અન્ય કાર ચાલકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીએ કાર ઊભી રાખી નહોતી. બાઈક ચાલક પુરપાટ કાર પરથી નીચે પટકાયો હતો.

ભયાનક ઘટના કેમેરામાં કેદ, આરોપી જેલ હવાલે

આ ભયાનક દૃશ્યને પાછળથી આવતા અન્ય એક કાર ચાલકે જોયું અને તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસ સ્ટેશનને થઈ હતી. અન્ય કાર ચાલકો અને સ્થાનિક લોકોના સતત પ્રયાસો બાદ આખરે આ બેફામ કાર ચાલકને દબોચી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં કાર ચાલકનું નામ મહેશ પટેલ હોવાનું સામે આવ્યું છે. મહેશ પટેલ લુણાવાડા તાલુકાના કાકચ્યા ગામનો વતની છે અને તે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 

VIDEO: 'ઓય...ઊભી રાખ...' કાર ચાલકે બાઈક ચાલકને 5 કિમી સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના 2 - image

અકસ્માતની ઘટનાને કેમેરામાં કેદ કરનારા પરિવારે શું કહ્યું?

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નરોડા ગામ નજીક મોડાસા-લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના ઉજાગર કરનાર અને અકસ્માતને નજરે જોનાર આકાશભાઈ નાથાણી અને તેમની પત્ની હેમાબેન નાથાણીએ બાઈકસવારને બચાવવા અને કારને રોકવા માટે પોતાની કાર વધુ સ્પીડે દોડાવવી પડી હતી. ઘટનાની વાત કરતાં હેમાબેને જણાવ્યું હતું કે, 'કારચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવક નીચે પડી ગયો હતો, જ્યારે અન્ય એક યુવક કારના બોનેટ પર ફસાયો. પણ કારચાલકે ગાડી ઊભી ન રાખી અને ચલાવ્યા રાખી. કારચાલક નશાની હાલતમાં હતો.'

VIDEO: 'ઓય...ઊભી રાખ...' કાર ચાલકે બાઈક ચાલકને 5 કિમી સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના 3 - image