વાઘાવાડી રોડ પર રફ્તારનો આતંક, અકસ્માત સર્જનાર સગીર કારચાલક ઝડપાયો
રાત્રે વોકિંગ કરવા નિકળેલી મહિલાનું મોત નિપજ્યું તથા ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી સગીરાને ઈજા, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
શહેરના વાઘાવાડી રોડ સ્વામી નારાયણ મંદિર નજીક ગત મોડી રાત્રે પુરપાટ સ્પીડે જઈ રહેલી કારનો ચાલક એક મહિલા અને એક સગીરાને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. હીટ એન્ડ રનના બનાવની મળતી વિગતો પ્રમાણે શહેરના કાળિયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા મીનાબેન અશ્વિનપુરી ગૌસ્વામી અને તેમના દેરાણી સોનલબેન ધર્મેશપુરી ગૌસ્વામી (ઉ.વ.૩૮) ગતરોજ રાત્રિના આશરે ૯.૪૫ કલાકના અરસામાં પોતાના ઘરેથી ચાલવા માટે નિકળ્યા હતા અને કાળિયાબીડ પાણીની ટાંકીથી આગળ સ્વામી નારાયણ મંદિરથી થોડે આગળ પહોંચતા પાછળથી પુરપાટ સ્પિડે આવેલી જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની થાર કારે સોનલબેનને પાછળથી અડફેેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સોનલબેનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સર ટી.હોસ્પિટલના એસઆઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોનલબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉપરાંત આ કારે વાઘાવાડી રોડ પર ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ વિસ્તારમાં રહેતી એક ૧૭ વર્ષની સગીર યુવતીને પણ અડફેટે લીધી હતી. જેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. બનાવ અંગે મીનાબેન અશ્વિનપુરી ગૌસ્વામી (રહે.રામેશ્વર મંદિર, સાગવાડી પાસે, કાળિયાબીડ)એ નિલમબાગ પોલીસ મથકમાં જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ) તથા એમવી એક્ટ ૧૩૪,૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરતા આ અકસ્માત સર્જનાર ૧૬ વર્ષ ૧ માસ ઉંમરના સગીરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં મોતનો સપ્તાહમાં બીજો બનાવ, જાહેર રસ્તાને રેસિંગ ટ્રેક બનાવતા તત્વો સામે કાર્યવાહી જરૂરી
શહેરના વાઘાવાડી રોડ પર પરિમલ ચોક પાસે ગત ગુરૂવારે સવારના સમયે અકસ્માતમાં તખ્તેશ્વર વિસ્તારમાં રહેતા એક યુવકનું મોત નિપજ્યું હતું. જેના એક સપ્તાહ બાદ આજે ફરી વાઘાવાડી રોડ પર અકસ્માત સર્જાયો જેમાં ૧ મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક સગીરાને ઈજા પહોંચી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના વાઘાવાડી રોડ, વિક્ટોરિયા પાર્ક સહિતના જાહેર રોડમાં મોડી રાત્રે બેફામ સ્પિડે ચાલતી કારો અને બાઈકોની રફ્તારનો આતંક છાશવારે જોવા મળે છે ત્યારે મોડી રાત્રે શહેરના જાહેર રસ્તાઓને રેસિંગ ટ્રેક બનાવી દેનારા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે.


