Gujarat

પેટલાદમાં હીટ એન્ડ રન : બાઈકની ટક્કરે રાહદારીનું મોત

By GS TEAM
19 Jun 20251 min read
પેટલાદમાં હીટ એન્ડ રન : બાઈકની ટક્કરે રાહદારીનું મોત

- હોટેલના સીસીટીવીમાં અકસ્માત બાદ પડી ગયેલો ચાલક બાઈક લઈ ફરાર થતા દેખાયો

આણંદ : પેટલાદની મલાવ ભાગોળથી શેખડી ચોકડી તરફના રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકે ટક્કર મારતા રાહદારીનું ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યો બાઈક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પેટલાદની મલાવ ભાગોળ દરગાહ પાસે રહેતા રમેશભાઈ રમણભાઈ તળપદા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમના કાકા અશોકભાઈ તળપદા સાંજે ઘરે આવ્યા હતા અને થોડીવાર રોકાયા બાદ અશોકભાઈ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. અશોકભાઈ તળપદા શેખડી ચોકડી તરફના માર્ગેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે અજાણ્યા બાઈક ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી અશોકભાઈ રોડ ઉપર પટકાયા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. 

ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમના ડૉક્ટરે અશોકભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન નજીકમાં આવેલી હોટલના સીસીટીવી ફૂટેજ તપાસતા અજાણ્યો બાઈક ચાલક અશોકભાઈને ટક્કર માર્યા બાદ પોતે પણ પડી ગયો હતો અને ફરીથી ઊભો થઈ બાઈક લઇ ફરાર થઈ જતો નજરે પડયો હતો. આ બનાવ અંગે રમેશભાઈ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.