સુરતના માંગરોળમાં હિટ એન્ડ રન: કારચાલક પેટ્રોલ પંપ પર સફાઈકર્મી મહિલાને કચડીને ભાગી ગયો
Hit And Run In Surat: ગુજરાતમાં સતત રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. આ દરમિયાન સુરતથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના પાલોદ ગામે પેટ્રોલ પંપ પર એક બેફામ કારચાલકે સફાઈ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
મળતી માહિતી અનુસાર, પાલોદ ગામમાં આવેલા પેટ્રોલ પંપ પર મહિલા સફાઈકર્મી પોતાનું કામ કરી રહી હતી. આ દરમિયાન એક કાર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે મહિલા ફંગોળાઈને નીચે પટકાઈ ગઈ હતી. જેના કારણે મહિલાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે કારચાલક સામ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરાર કારચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.