Get The App

૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો

વિકલાંગ પત્નીની ફરિયાદ બાદ માંગલેજથી સાવલી રોડ પર ૧૦ દિવસ સુધી તપાસ ઃ કપચી ખાલી કરીને જતું ડમ્પર કબજે

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
૬૨ કિ.મી.ના ૧૦૦ જેટલા CCTV કેમેરા ચેક કરી હિટ એન્ડ રનનો આરોપી ઝડપ્યો 1 - image

વડોદરા, તા.29 વરણામા પાસેના નેશનલ હાઇવે પર રાત્રે એક આધેડને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનને શોધી કાઢવા માટે પોલીસે આશરે ૬૨ કિ.મી.ના રૃટ પર હાઇવે પર આવેલી હોટલો તેમજ અન્ય સ્થળના સીસીટીવી કેમેરા શોધીને કપચીની હેરાફેરી કરતા એક ડમ્પરને શોધી કાઢી બનાવના ૧૦માં દિવસે આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત-વડોદરા નેશનલ હાઇવે પર વરણામા કટ પાસે તા.૧૭ના રોજ રાત્રે સાડા આઠ વાગે માળીનું કામ કરતા ૫૫ વર્ષના મફત મનસુખભાઇ (રહે.મોટો તરબદાવાસ, કરખડી, તા.પાદરા) રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું સ્થળ પર જ કરૃણ મોત નિપજ્યું હતું. આ બનાવની વરણામા પોલીસ સ્ટેશનમાં મૃતકની વિકલાંગ પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી. 

હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માત કરીને ફરાર વાહનની તપાસ શરૃ કરવામાં આવી હતી. રાત્રિનો બનાવ હોવાથી અકસ્માત કરનાર ડમ્પર ઓળખી શકાઇ ન હતી જેથી કરજણ તાલુકાના માંગલેજ ચોકડીથી ધાનોરા ગામ તરફથી આવતા વાહનોની તપાસ હાથ ધરી હતી પરંતુ ફળદાયી વિગતો જાણી શકાઇ ન હતી. દરમિયાન વડોદરા તરફની હોટલોના સીસીટીવી કેમેરા ચેક કરતા ડમ્પર દુમાડ ચોકડીથી અંદર જતી દેખાઇ હતી અને ટ્રકની આગળની સાઇડ પર જય આશાપુરા મા તેમજ જય રણછોડ લખેલ હોવાથી ડમ્પરનો નંબર જાણી શકાયો હતો.

દરમિયાન પોલીસે નંબરના આધારે તેના માલિક અતુલ ચન્દ્રસિંહ ચૌહાણને ફોન કરીને પૂછતા ડ્રાઇવર ઉદેસિંહ તખતસિંહ પરમાર (રહે.ઉપલેટ, ચામુંડા માતા ચોક, તા.ઠાસરા, જિલ્લો ખેડા)એ અકસ્માત કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઇવરને પૂછપરછ કરતાં તેણે અકસ્માતની કબૂલાત કરતા તેની ધરપકડ કરી ડમ્પર કબજે લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપીને શોધી કાઢવા માટે ૧૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. ડમ્પરમાં ભરેલી કપચી માંગલેજ પાસે ખાલી કરીને પરત સાવલી તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો  હતો.