- આભૂષણોની તપાસ કરવા સહિત માટે રિમાન્ડની માગણી કરી
- મંદિરમાંથી સોનાના આભૂષણો, ચાંદીની ચીજવસ્તુઓ રિકવર કરવા માટે પોલીસની કવાયત
નડિયાદ : નડિયાદના મોટા કુંભનાથ મંદિરમાં ચોરી કરનાર હિસ્ટ્રીશીટર વિનુ તળપદના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મંદિરમાં ચોરી કરેલા આભૂષણો અને ચીજવસ્તુઓ રિકવર કરવા પોલીસે કવાયત હાથ ધરી છે.
નડિયાદના મોટા કુંભનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ માતાજીના આભૂષણો અને સરસામાનની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસની ટીમો દોડતી થઇ હતી. જેમાં પોલીસે મુખ્ય સુત્રધાર વિનોદ ઉર્ફે વિનુ મનુભાઇ તળપદાને ઝડપી પાડયો હતો. વિનોદ તળપદા રીઢો હિસ્ટ્રીશટર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપી વિનોદ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવો પોલીસ માટે પડકારરૂપ છે.
આ ચોરાયેલા મુદ્દામાલમાં પાર્વતી માતાનો સોનાનો હાર, પાર્વતી માતાની નાકની સોનાની વાડી તેમજ ચાંદીની ગળતી અને નકળ સળીયો જેવા કિંમતી અને ધામક મહત્વ ધરાવતા આભૂષણોનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ આરોપીએ ક્યાં છુપાવ્યો છે કે કોને વેચ્યો છે, તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે આરોપી વિનોદ તળપદાને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


