રંગભૂમિનો ઈતિહાસ 3500 વર્ષ જૂનો, ગમે તેટલા બદલાવ વચ્ચે પણ જીવંત રહેશે
વડોદરાઃ રંગભૂમિનો ઈતિહાસ ૩૫૦૦ વર્ષ જૂનો છે.ભલે મનોરંજનની દુનિયામાં ગમે તેટલા ફેરફાર આવે પણ રંગભૂમિ જીવંત રહેશે.જે રીતે શેકસપિયરે લખેલા નાટકોમાં તે સમયની રાજકીય ઘટનાઓનું પણ પ્રતિબિંબ જોવા મળે છે તે જ રીતે આજની ઘટનાઓને ૨૦૦ વર્ષ પછી જણાવવા માટે રંગભૂમિ કામ લાગશે.જેવી રીતે શેક્સપિયરે લખેલા નાટકો તેમ ઓસ્ટ્રેલિયાના રંગભૂમિના દિગ્ગજ ગણાતા અને પ્રતિષ્ઠિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડ્રામેટિક આર્ટના સભ્ય યુનિવર્સિટી પ્રોફેસર ઈમેરિટસ પીટર કૂકે એક વાતચીતમાં કહ્યું હતું.
એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસમાં ડ્રામા વિભાગના વિદ્યાર્થીઓ માટે પીટર કૂકનો એક સપ્તાહનો વર્કશોપ યોજાયો હતો.પ્રોફેસર કૂક ૨૨ વર્ષથી દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સહિતની પ્રતિષ્ઠિત ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને અભિનયના પાઠ શીખવાડે છે.
તેમણે પશ્ચિમના નાટય જગત અને ભારતના નાટય જગતના તફાવત અંગે કહ્યું હતું કે, પશ્ચિમની રંગભૂમિમાં સાંપ્રત વિષયો પર વધારે ભાર મૂકાય છે અને પરંપરાઓનું મહત્વ ભારતીય રંગભૂમિ જેટલું નથી હોતું.જેના કારણે ભારતમાં ડ્રામાના વિદ્યાર્થીઓના શિક્ષણમાં પણ પરંપરાગત અને સમકાલીન પાસાઓનો સમાવેશ થાય છે.ભારતીય રંગભૂમિમાં શારીરિક હાવભાવ અને લાગણીઓને મહત્વ અપાય છે.જેના કારણે નાટક જોતી વખતે અભિનેતાઓની ઉર્જા સ્ટેજ પરથી વહેતી રહે છે.
પ્રોફેસર કૂકે કહ્યું હતું કે, ભારતમાં મેં બે દાયકામાં અગણિત નાટકો જોયા છે.જે બદલાવ આ દરમિયાન જોવા મળ્યો છે તે જોતા કહી શકાય કે, ડ્રામા સ્કૂલોને પણ હવે રંગભૂમિ આવકનું સાધન બની શકે છે તેવો વિશ્વાસ જાગ્યો છે.
ઓટીટી પ્લેટફોર્મથી કલાકારોને વધુ તક મળશે
આગામી એક દાયકામાં ભારતના થિયેટરમાં લાઈટિંંગ,સાઉન્ડ, ડિઝાઈનિંગનું મહત્વ વધશે
સંખ્યાબંધ ફિલ્મ ફેસ્ટિવલમાં નિર્ણાયક તરીકે સેવા આપી ચૂકેલા પ્રો.કૂકે કહ્યું હતું કે, પશ્ચિમના દેશોની જેમ આગામી એક દાયકામાં ભારતના થિયેટરમાં લાઈટિંગ, સાઉન્ડ, ડિઝાઈનિંગ અને ટેકનોલોજીનું મહત્વ વધશે.ઓટીટી પ્લેટફોર્મથી રંગભૂમિને ખતરો નથી.ઉલટાનું થિયેટરમાં કામ કરતા ઉભરતા કલાકારોને ફાયદો થશે.કારણકે તેમને કામ મળવાની તકોમાં ૧૦ ગણો વધારો થશે.
તેમણે કહ્યું વિદેશોમાં ભારતીય સમૂદાય ભારતીય થિયેટરને જીવંત રાખવાનું કામ કરે છે.સિડનીમાં હું મલયાલી સમુદાય સાથે અત્યારે કામ કરી રહ્યો છું.