Somnath Swabhiman Parv: હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથમાં ભવ્ય 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા બાવાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી.
સોમનાથમાં પહેલીવાર ભવ્ય રવાડીનું આયોજન
સામાન્ય રીતે જૂનાગઢ ભવનાથના મેળામાં જ જોવા મળતી નાગા સાધુઓની રવાડી પ્રથમવાર સોમનાથમાં યોજાઈ હતી. દિગમ્બર સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન અને અંગકસરતના દાવ રજૂ કરી લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અંદાજે 50 વધુ કુશળ કલાકારોએ ઢોલ અને તાશાના તાલ સાથે એવું જોરદાર વાદન કર્યું હતું કે કલાકારોના જોશમાં ઢોલ પણ તૂટી ગયા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર માર્ગ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 'શૌર્યયાત્રા'
સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (10મી જાન્યુઆરી) સાંજે 5:25 વાગ્યે સોમનાથ પધારશે. સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે અને મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. રવિવારે (11 જાન્યુઆરી) સવારે 6:45 વાગ્યે શંખ સર્કલથી ભવ્ય શૌર્યયાત્રા પ્રસ્થાન થશે, જેમાં વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેશે. આ યાત્રા બાદ સદ્ભાવના ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.

આ પણ વાંચો: PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે : સોમનાથમાં પૂજા બાદ રાજકોટ-અમદાવાદ જશે
લોકમેદની માટે અભૂતપૂર્વ વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન અને આ ઐતિહાસિક પર્વને સાક્ષી બનવા માટે ગુજરાતભરમાંથી લાખો લોકો ઉમટી રહ્યા છે. જેને લઈને 2000 એસ.ટી. બસો અને 1000 ખાનગી બસો ઉપરાંત ચાર મહાનગરોથી વિશેષ 'ટિકિટ વગરની' ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. સદ્ભાવના મેદાન અને કાજલી ખાતે સેંકડો બસો અને હજારો ખાનગી કારના પાર્કિંગ માટે વિશાળ વ્યવસ્થા કરાઈ છે. સમગ્ર સોમનાથને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ પર કરવામાં આવેલા સૌથી હિંસક હુમલાને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમયે મંદિરે અનેક આક્રમણો સહ્યા હતા, પરંતુ મે-1951માં લોખંડી પુરુષ સરદાર પટેલના સંકલ્પથી મંદિરનું પુનઃનિર્માણ થયું હતું, જેના હવે 75 વર્ષ (અમૃત મહોત્સવ) પૂર્ણ થઈ રહ્યા છે. આ પર્વ ભારતની અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતીક બની રહ્યું છે.


