હિંમતનગરમાં બાળકીના અપહરણ કેસમાં મોટો ઘટસ્ફોટ, પૈસા માટે માતા-પિતાએ જ રચ્યું હતું 'નાટક'

Himmatnagar Kidnapping Case: હિંમતનગરના RTO સર્કલ નજીકથી શુક્રવારે (10મી ઑક્ટોબરે) ભંગાર વીણતા શ્રમિક પરિવારની બે માસની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટનામાં પોલીસે સઘન તપાસ બાદ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બાળકીનું અપહરણ બહારના કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ માતા-પિતાએ પોતે જ પૈસા માટે કર્યું હોવાનું સામે આવ્યું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, બાળકીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં આ આખો ભાંડો ફૂટ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બાળકીના માતા-પિતાએ સંતાન વિનાના એક દંપતી સાથે 50,000 રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હતો. જો કે, બાળકી ખરીદનાર દંપતીને આ રકમ વધુ લાગી હતી. જેના કારણે તેણે સોદા મુજબના 50,000 રૂપિયા આપવાને બદલે માત્ર 10,000 રૂપિયા આપવાનું કહ્યું હતું. આ સોદો નિષ્ફળ જતાં 50,000 રૂપિયાની રકમ પડાવવાના ઈરાદે માતા-પિતાએ ખરીદનાર દંપતી પર જ અપહરણનો આક્ષેપ લગાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ખરીદનાર દંપતીએ હિંમતનગર RTO સર્કલ નજીકથી બાળકીનું અપહરણ કર્યું હોવાનું નાટક માતા-પિતાએ રચ્યું હતું.
અપહરણ કરનાર દંપતી ખેડા જિલ્લાનું
ગ્રામ્ય પોલીસે બાળકીનું વેચાણ કરનાર માતા-પિતા અને અપહરણ કરનાર દંપતી એમ કુલ ચાર આરોપીઓની અટકાયત કરીને તેમની સામે બાળ તસ્કરી અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ દંપતી ખેડા જિલ્લાના તખતપુરા ગામના રહેવાસી છે. તે હિંમતનગરના ગઢા ગામની મદ્રેસામાં ધોબીનું કામ કરતા હતા.