- યુવક પોતાની સાથે વાત કરવા દબાણ કરી ધમકી આપતો
- 3 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, મહેમદાવાદ પોલીસ દ્વારા આરોપી ઝડપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના પહાડ ગામમાં રહેતી પરિણીતાને પડોશમાં રહેતો યુવક પોતાની સાથે બોલવા દબાણ કરતો હતો અને યુવક તેનો પીછો કરી મહિલાને પોતાની સાથે નહીં બોલે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. જે બાબતથી કંટાળી જઈને મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકની માતાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહેમદાવાદના પહાડ ગામમાં રહેતા નટવરભાઈ સોમાભાઈ ભવૈયાની દીકરી સુમિત્રાના લગ્ન ૧૩ વર્ષ અગાઉ ગામમાં રહેતા રાજેશભાઈ ભવૈયા સાથે થયા હતા. આ લગ્નજીવનથી સુમિત્રાબેનને ત્રણ બાળકો હતા. છેલ્લા કેટલાક સમયથી તેમના ઘરની સામે રહેતો રાહુલભાઈ ચીમનભાઈ ભવૈયા નામનો યુવક સુમિત્રાબેનને પોતાની સાથે વાત કરવા માટે અવારનવાર દબાણ કરતો હતો. પરંતુ આ મહિલા યુવક સાથે વાત કરવાની ના પાડતી હતી. જેથી રાહુલ સુમિત્રાબેનને તેની સાથે વાત નહીં કરે તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. આ યુવકની આ પ્રકારની હરકતોથી કંટાળેલી મહિલા ગામમાં રહેતા પોતાના પિતાની ઘરની બાજુમાં રહેવા ચાલી ગઈ હતી. આમ છતાં રાહુલ ત્યાં જઈને તેનો પીછો કરી તેને હેરાન કરતો હતો.
ગત તા. ૨૪-૧૨-૨૦૨૪ના રોજ સવારે મહિલા પોતાના ઘરે હતી ત્યારે રાહુલે ફરીથી મહિલાના ઘરે પહોંચી બોલાચાલી કરી હતી. જેથી બૂમાબૂમ થતા તેણીના પરિવારજનો તેને પકડવા દોડયા હતા પરંતુ આ રાહુલ ભાગી ગયો હતો. ત્યારબાદ મહિલાએ આ યુવકના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ થતા તેના પરિવારજનોએ સુમિત્રાબેન રાજેશભાઈ ભવૈયા (ઉં. વ. ૩૦)ને સારવાર માટે મહેમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સુમિત્રાબેન ભવૈયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા હાજીબેન નટવરભાઈ ભવૈયાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે રાહુલ ચીમનભાઈ ભવૈયા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપીને મહેમદાવાદ પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યો છે.


