Gujarat

ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ

By GS TEAM
30 Sep 20252 mins read
ફાગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે હાઈવે ચક્કાજામ

- કાપડીવાવ તાલુકા મથક રાખવા સામે વિરોધ 

- અમદાવાદ- ઇન્દોર હાઇવે પર આડશો મૂકીને રસ્તો રોકતા વાહનોની લાઇનો લાગી 

કઠલાલ : સરકારે તાજેતરમાં ૧૭ તાલુકાની જાહેરાત કરી હતી. જેમાં ખેડાના કઠલાલ અને કપડવંજમાંથી ફાગવેલને તાલુકો જાહેર કર્યો હતો. ફાગવેલનું તાલુકા મથક કાપડીવાવ ગામ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો હતો. ફાગવેલમાં જ તાલુકા મથક રાખવાની માગણી સાથે આજે અમદાવાદ -ઇન્દોર હાઇવે પર લોકોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

ખેડા જિલ્લાના કઠલાલ અને કપડવંજ તાલુકામાંથી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ફાગવેલને તાલુકો બનાવવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ફાગવેલને તાલુકા બનાવીને મુખ્ય મથક કાપડીવાવ રાખવાની જાહેરાત કરતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ફાગવેલને તાલુકા મથક ફાળવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆતો કરી હતી. ફાગવેલ નવો તાલુકો બનાવતા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની આસ્થા અને આર્શિવાદ તમામ લોકો પર રહેલા છે અને ફાગવેલમાં સરકારી કચેરી માટેની તમામ સગવડો છે. કાપડીવાવને તાલુકા મથક બનાવવામાં આવતા લોકોને ફાગવેલથી ધક્કા ખાવા પડશે. ફાગવેલને અન્યાય થયાની લોકોએ લાગણી વ્યકત કરી હતી. 

ફાગવેલને તાલુકા મથક રાખવાની માગણી સાથે આજે સ્થાનિકો લોકોએ અમદાવાદ- ઇન્દોર હાઇવે પર રોડ પર આડશો મૂકીને વિરોધ કર્યો હતો. જેના પગલે વાહનોની લાંબી લાઇનો લાગી હતી. આ ઘટનાની જાણ થતાં કઠલાલ પોલીસ દોડી આવી હતી સ્થાનિક લોકોને સમજાવીને હાઇવે પૂર્વવત કર્યો હતો અને સરકાર દ્વારા સ્થાનિક લોકોની માગણી નહીં સ્વિકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.