Gujarat

પાદરા કોલેજમાં શરુ કરાયેલા બીએસસી હાયરપેમેન્ટ કોર્સ પર જોખમ

By GS TEAM
22 Jun 20252 mins read
પાદરા કોલેજમાં શરુ કરાયેલા બીએસસી હાયરપેમેન્ટ કોર્સ પર જોખમ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પાદરા કોલેજમાં સાયન્સ ફેકલ્ટી દ્વારા ચલાવાતા બીસએસસીના હાયરપેમેન્ટ કોર્સની સામે વિદ્યાર્થીઓની ઓછી થતી સંખ્યાના કારણે જોખમ સર્જાયું છે.આ વર્ષે તો જીકાસ પોર્ટલ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં હાયર પેમેન્ટની ૪૨૦ જેટલી બેઠકોની સામે માત્ર ૪૦ જ બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

ઉલ્લેખનીય છે કે, સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે જે તે સમયે વધેલા ધસારાના કારણે ૨૦૧૫માં ફેકલ્ટી સત્તાધીશોએ પાદરા કોલેજમાં માઈક્રોબાયોલોજી, બોટની, કેમેસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ અને ઝૂલોજી વિષયની હાયર પેમેન્ટ બેઠકો સાથે બીએસસી કોર્સ લોન્ચ કર્યો હતો.

ચાર વર્ષ પહેલા આ કોર્સ માટે પાદરા કોલેજમાં લેબોરેટરીઓ સહિતની સુવિધાઓ સાથે લગભગ ચાર કરોડ રુપિયાનું નવુ સાયન્સ બિલ્ડિંગ પણ બનાવવામાં આવ્યું હતું.જોકે કોરોના બાદ હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ લેનારાની સંખ્યામાં ઘટાડો થયો હતો.તેમાં પણ આ વર્ષે તો એફવાયમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઓછી થઈ ગઈ છે.હવે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી પર બધો મદાર છે.ફેકલ્ટી સત્તાધીશોનું કહેવું છે કે, જો બીજા તબક્કાની કાર્યવાહીમાં પણ હાયર પેમેન્ટ બેઠકો પર વધારે વિદ્યાર્થીઓ એડમિશન નહીં લે તો  એફવાયના હાયર પેમેન્ટના વિદ્યાર્થીઓને વડોદરાના મુખ્ય કેમ્પસમાં  સમાવી લેવા માટે વિવિધ વિભાગના હેડ સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાશે.

વિદ્યાર્થીઓને પણ પાદરા કોલેજની જગ્યાએ મુખ્ય કેમ્પસમાં જ ભણવું છે 

એડમિશન કાર્યવાહી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, ઓછી સંખ્યા માટે જીકાસ પોર્ટલ થકી પ્રવેશ તો જવાબદાર છે જ.પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ એડમિશન લેતી વખતે વિષય પસંદગી માટે જે સમજ આપવાનો મોકો મળતો હતો તે હવે મળતો નથી.બીજી તરફ મોટાભાગના વિદ્યાર્થીઓને પણ હાયર પેમેન્ટ માટે દર વર્ષે ૩૫૦૦૦ રુપિયા ફી ચૂકવીને પાદરા કોલેજમાં નહીં પણ મુખ્ય કેમ્પસમાં જ ભણવું છે.તેના કારણે પણ  એડમિશન ઘટી રહ્યા છે.બીજા તબક્કામાં પણ હાયર પેમેન્ટ બેઠકો પર વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી શક્યતા ઓછી છે.કારણકે ગ્રાન્ટ ઈન એઈડની જ સેંકડો બેઠકો હજી ખાલી છે.

પાદરા કોલેજમાં કેટલા એડમિશન થયા

માઈક્રોબાયોલોજી ૧૭

બોટની

કેમેસ્ટ્રી ૧૯

મેથ્સ

ફિઝિક્સ

ઝૂલોજી

વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે વધું એક તક

જીકાસ પોર્ટલ પર એફવાયમાં પ્રવેશ માટે અરજી કરી હોય પરંતુ વેરિફિકેશન કરવવાનું ભુલી ગયા હોય અથવા તો અરજી અનલોક કરી હોય પણ સબમિટ કે વેરિફાય ના કરી હોય તેવા વિદ્યાર્થીઓ તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન નજીકના વેરિફિકેશન સેન્ટર પર જઈને પ્રક્રિયા પૂરી કરી શકે છે.આ અરજીઓ તા.૨૭ જૂનથી શરુ થનારા બીજા તબક્કાના પ્રવેશ માટે ગણતરીમાં લેવામાં આવશે.