જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનામાંથી હાઇ પ્રોફાઈલ જુગાર ઝડપાયો : 34.41 લાખના મુદ્દામાલ સાથે 7 નબીરા ઝડપાયા
Jamnagar Gambling Crime : જામનગર શહેર નજીકના દરેડ ગામે આવેલ જીઆઇડીસી ફેસ-2માં આવેલ એક બ્રાસપાર્ટના કારખાનામાં એલસીબી પોલીસે જુગારની મહેફીલ પર દરોડો પાડ્યો હતો. જ્યાં જુગારની મોજ માણતા સાત નબીરાઓને ઝડપી લીધા હતાં જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. પોલીસે પોણા ત્રણ લાખની રોકડ, મોબાઇલ અને બે કાર સહિત કુલ રૂા.34.42 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચીની ટીમે બાતમીના આધારે જામનગર શહેર નજીકના દરેડ ખાતે આવેલ જીઆઇડીસી ફેસ-2 માં આવેલ મનાલી બ્રાસપાર્ટ નામના કારખાનામાં જામેલી જુગારની મહેફીલ પર દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમી રહેલાં ધીરજભાઇ રૂડાભાઇ સંધાણી, ભાવેશભાઇ જમનભાઇ દોંગા, વિનુભાઇ બાબુભાઇ દુધાગરા, જયેશભાઇ કિશોરભાઇ ત્રીવેદી, ભગાભાઇ રાણાભાઇ કટારા, નારદભાઇ કેશવભાઇ સંધાણી, ધીરેનભાઇ અમૃતલાલ ગાલીયા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે નિકુંજભાઇ પટેલ નામનો શખ્સો નાસી છૂટવામાં સફળ રહેતાં પોલીસે તેને ફરાર જાહેર કર્યો હતો. પકડાયેલા તમામ શખ્સોના કબજામાંથી પોલીસે રૂા.2,76,500 ની રોકડ તેમજ રકમ રૂ.65000 ની કિંમતના સાથ મોબાઇલ ફોન અને રૂા.3100000 ની કિંમતની બે કાર સહિત કુલ રૂા.34,41,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.