Get The App

યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

વર્ષ 2007માં આખલાએ ભેટી મારતા યુવકનું મોત થયું હતું

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ 1 - image

વડોદરા : વર્ષ ૨૦૦૭માં કારેલીબાગ વિસ્તારમાં ઉત્કર્ષ પેટ્રોલ પંપ પાસે આખલા ભેટી મારતા યુવકનું મોત નિપજવાના ચકચારી બનાવમાં કોર્પોરેશનને કસુરવાર ઠેરવી હાઇકોર્ટે મૃતકના પરિવારને ૯ ટકાના વ્યાજ સાથે રૃા.૪.૮૪ લાખની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૦૭માં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રખડતા આખલાએ ભેટી મારતા ઘવાયેલા મકબુલ ઘાણીવાલા નામના વ્યક્તિનું ૫૩ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ મોત માટે કોર્પોરેશનનું તંત્ર જવાબદાર હોઇ પરિવારજનોએ વળતર મેળવવા માટે વડોદરાની સિવીલ કોર્ટમાં દાદ માંગી હતી. સિવીલ કોર્ટે મૃતકના પરિવારને વળતર પેટે રૃા.૪,૮૪,૪૭૩ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

નીચલી કોર્ટના આ આદેશ સામે કોર્પોરેશને હાઇકોર્ટમાં અપિલ દાખલ કરી હતી અને એવો બચાવ કરવામાં આવ્યો હતો કે રખડતા ઢોરને પકડવાની જવાબદારી પોલીસની છે અને આ અકસ્માતમાં મૃતકની પોતાની પણ બેદરકારી હતી. જોકે, હાઈકોર્ટે આ દલીલોને ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે, કોર્પોરેશન જનતા પાસેથી ટેક્સ વસૂલે છે અને તેની સામે સલામત રસ્તાઓ આપવા તે તેની પ્રાથમિક જવાબદારી છે. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, રખડતા ઢોરનો ત્રાસ ડામવા માટે અસરકારક પગલાં લેવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે, જે નાગરિકોના જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન સમાન છે.

અંતિમ ચુકાદામાં અદાલતે નીચલી કોર્ટના આદેશને બહાલ રાખતા જણાવ્યું કે આ દુર્ઘટનામાં ૭૦ ટકા બેદરકારી કોર્પોરેશનની અને ૩૦ ટકા બેદરકારી મૃતકની ગણાય. આ ગુણોત્તર મુજબ કોર્ટે કુલ નિર્ધારિત વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવા મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરી છે.