વડોદરા : બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણી તા.૧૫ ફેબુ્રઆરીના રોજ યોજાવાની છે ત્યારે તેમાં ઉમેદવારી કરનારા ઉમેદવારે ફોર્મ ચકાસણી સમયે ફરજિયાત હાજર રહેવા અંગેનો જે આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે ડો.દર્શન બેંકરે હાઇકોર્ટમાં દાદ માગી હતી. હાઇકોર્ટમાં પિટીશનની સુનાવણી દરમિયાન બીસીએ દ્વારા ફોર્મ ચકાસણી સમયે ડો.દર્શન બેંકર હાજર ન રહે તો તે કારણસર તેમનું ફોર્મ રદ નહી કરાય તેવી ખાતરી આપવામાં આવતા હાઇકોર્ટે બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપી પિટીશનનો નિકાલ કર્યો હતો.
બીસીએની ચૂંટણી તા.૧૫ ફેબુ્રઆરીના રોજ યોજાવાની છે અને તેના
ફોર્મ તા.૧૭ અને ૧૯ જાન્યુઆરીએ ભરાવાના છે અને ફોર્મની ચકાસણી તા.૨૦ જાન્યુઆરી
થવાની છે. આ વખતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારની હાજરી ફરજીયાત બનાવવામાં
આવતા તેની સામે ડો.દર્શન બેંકરે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. પિટીશનરે રજૂઆત
કરી હતી કે,
ફોર્મ ચકાસણી સમયે ઉમેદવારની ફરજીયાત હાજરીનો આદેશ બંધારણ વિરુદ્ધનો
છે.
સુનાવણી દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશન વતી હાજર રહેલા
એડવોકેટે રજૂઆત કરી હતી કે, ડા. દર્શન બેંકર જો ૨૦ જાન્યુઆરીએ ચકાસણી વખતે
રૃબરૃ હાજર ન રહે, તો માત્ર તે કારણસર તેમનું ઉમેદવારી ફોર્મ
રદ કરવામાં આવશે નહીં. વધુમાં, એસોસિએશને સ્વીકાર્યું હતું
કે ડા. બેંકરના કોઈ એક પ્રતિનિધિને ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહી રજૂઆત કરવાની
અને અન્ય ઉમેદવારોના ફોર્મ સામે વાંધો ઉઠાવવાની મંજૂરી આપવામાં આવશે. બીસીએ તરફથી
આપવામાં આવેલી આ સત્તાવાર ખાતરી અને હકારાત્મક વલણ બાદ પિટિશનર ડા. દર્શન બેંકર
વતી સિનિયર એડવોકેટે આ પિટિશન આગળ નહીં ચલાવવાનો નિર્ણય કરતા હાઈકોર્ટે
રિટ પિટિશનનો નિકાલ કર્યો હતો.
ન્યાયમૂર્તિએ કેસનો નિકાલ કરતા નોંધ્યું હતું કે, બરોડા ક્રિકેટ એસોસિએશન ન્યાયી,
પારદર્શક અને લોકશાહી પદ્ધતિથી આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરે તેવી
અપેક્ષા રાખવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે બીસીએની
ચૂંટણીમાં પ્રમુખ તરીકે ડો.દર્શન બેંકર ફોર્મ ભરવાના છે અને તા.૨૦મીના રોજ તેમના
દિકરાના લગ્ન ગોવા ખાતે હોવાથી આ વર્ષે ફોર્મ ચકાસણીમાં ઉમેદવારની હાજરી ફરજીયાત
કરાઇ હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું હતું.જો કે, ડો.બેંકરે આ
આદેશ બંધારણ વિરુદ્ધનો હોઇ હાઇકોર્ટમાં તેને પડકાર્યો હતો.


