જમાઈને આત્મહત્યાની દુષ્પ્રેરણા કેસમાં આરોપી સાસુને ક્વોસીંગ પીટીશનમાં હાઈકોર્ટની રાહત
પરણીત પુત્રીના ભવિષ્ય માટે ભરણ પોષણ માંગણી કરવી તે કાયદેસર છે તેને આત્મહત્યાની દુષ્પ્રેરણા ગણાવી શકાય
સુરત,તા.22 જુલાઈ 2020 બુધવાર
બારડોલીમાં રહેતા જમાઈને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં આરોપી સાસુએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં કરેલી માંગને ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ એ.જે.દેસાઈએ કામચલાઉ રાહત આપી ગુનાની તપાસ ચાલુ રાખવી પણ આરોપીની ધરપકડ કે હાઈકોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ રજુ ન કરવા નિર્દેશ આપ્યો છે.
બારડોલી ખાતે રહેતા મરનાર નિલય ચૌધરીએ તા.૨૬મી જુનના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.જેથી મૃત્તક પુત્રના મોબાઈલને ચેક કરતાં તેની માતાને પુત્રનો એક વીડીયો મળી આવ્યો હતો.જેમાં મરનાર નિલય ચૌધરીએ પોતાના લગ્નને ત્રણ વર્ષ થવા છતાં સાસુ પારુલબેન ચૌધરી પોતાની પુત્રીને સાસરે મોકલવાને બદલે છૂટાછેડાની ધમકી આપી ૫ લાખ માંગતા હોવાનું જણાવ્યું હતુ.મરનાર નિલયે પોતાની સાસુએ પોતાના લગ્નજીવન તથા જિંદગીને ખલાશ કરી નાખી હોવાનું વીડીયોમાં જણાવીને ગળે ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતુ.
જેથી મૃત્તક નિલયની ફરિયાદી માતાએ આરોપી વેવાણ પારુલબેન ચૌધરી વિરુધ્ધ પોતાના પુત્રને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા બદલ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી આરોપી સાસુ પારુલબેને કલ્પેશ દેસાઈ તથા શકીલ કુરેશી મારફતે પોતાની વિરુધ્ધ થયેલી ફોજદારી ફરિયાદને રદ કરવાની માંગ કરતી ક્વોસીંગ પીટીશન કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે જણાવ્યું હતું કે પોતાની પુત્રીના ભવિષ્ય માટે ભરણપોષણ માંગવું એ કાયદેસર છે.આરોપીએ મરનારને આત્મહત્યા કરવા મજબુર કર્યા હોઈ કે ત્રાસ આપ્યો હોય તેવી હકીકત નથી.જેને હાઈકોર્ટે અંશતઃ માન્ય રાખી તપાસ અધિકારીને નોટીસ ઈસ્યુ કરી આરોપી સાસુને કામચલાઉ રાહત આપી છે.હાઈકોર્ટે હાલ પુરતી ધરપકડ ન કરવા તથા હાઈકોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ રજુ ન કરવા જણાવી બાકીની તપાસ ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે.
j