Gujarat

ગેરકાયદે બાંધકામ અંગેની PIL હાઈકોર્ટે ફગાવી, અપીલકર્તાને 1.14 કરોડનો દંડ

By GS TEAM
26 Jul 20252 mins read
ગેરકાયદે બાંધકામ અંગેની PIL હાઈકોર્ટે ફગાવી, અપીલકર્તાને 1.14 કરોડનો દંડ

- વેરાવળમાં બે પત્રકાર સહિત સાત અરજદારોને પહેલાં ચેતવ્યા'તા

- બે મહિનામાં દંડ જમા કરાવવા આદેશ, એ રકમ મહિલાઓ-બાળકોના હિતમાં વાપરવા સૂચના

- ભવિષ્યમાં સાતેય અરજદારોની કોઈપણ પી.આઈ.એલ. નહીં સ્વીકારવા પણ આદેશ

વેરાવળ : વેરાવળ શહેરના બિલ્ડર સામે વર્ષ-૨૦૨૨માં સાત વ્યક્તિઓએ ગેરકાયદે બાંધકામ મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી, જેને હાથ પર લઈને હાઈકોર્ટના ચીફ જસ્ટીસની બેન્ચે પીઆઈએલ નકારી કાઢીને બે પત્રકાર સહિત સાત અરજદારોએ પોતાના અંગત સ્વાર્થ, દુશ્મનાવટ, બ્લેકમેઈલિંગ અને ખંડણી ઉઘરાવવા માટે ન્યાયિક પ્રક્રિયાનો દુરૂપયોગ કરીને કોર્ટનો સમય વ્યય કર્યાની ટકોર સાથે દરેક અરજદારને ૨૦ લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આમ, સાતે'ય અરજદારોએ રૂા.૧.૪૦ કરોડની રકમ ગુજરાત હાઈકોર્ટ લીગલ સવસ ઓથોરિટીમાં બે માસમાં જમા કરાવવાની રહેશે. તેનો ઉપયોગ મહિલા અને અનાથ બાળકોનાં હિત માટે કરવા પણ હાઈકોર્ટે સૂચના આપી છે.

અંગત સ્વાર્થ સાધવા કે પબ્લિસિટી માટે જાહેર હિત અરજી થઈ ન શકે, આવા અરજદારો માટે કોર્ટમાં કોઈ જગ્યા નથીઃ હાઈકોર્ટ

વેરાવળમાં વિનાયક બિલ્ડર્સ સામે કથિત પત્રકાર રાકેશ જાદવભાઈ પરડવા અને ચેતનગીરી કૈલાશગીરી અપારનાથી ઉપરાંત દીપક જેઠાલાલા ખોરાબા, મુકેશ હરીભાઈ વધાવી, પંકજકુમાર વૃંદાવનદાસ અઢીયા, જયેશ હમીરભાઈ ભોલા અને ભદ્રેશભાઈ વાઢેરે વર્ષ-૨૦૨૨માં ગેરકાયદે બાંધકામ અંગે આક્ષેપો કરીને હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી. તેનો ચુકાદો ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલ તથા જસ્ટીસ ડી.એન. રેની બેન્ચ તરફથી આપવામાં આવ્યો કે, પોતાના અંગત સ્વાર્થ ખાતર પીઆઈએલ કરવામાં આવી હોય એવું ફલિત થાય છે. બે અરજદારો પોતાને પત્રકાર ગણાવે છે, તેમની ભૂમિકા શંકાસ્પદ છે. એક અરજદાર સામે વર્ષ-૨૦૧૯માં બ્લેકમેઈલિંગ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ ચુકી છે. હવે તેઓ મંજુરી લઈને કરવામાં આવેલા બાંધકામમાં નાની-મોટી ભૂલો કાઢીને પૈસા પડાવવા માંગતા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. 

આ સાથે હાઈકોર્ટે આકરૂ વલણ લેતા કહ્યું કે, 'અંગત સ્વાર્થ સાધવા કે પબ્લિસિટી માટે જાહેરહીત અરજી થઈ શકે નહીં. આવા અરજદારો માટે કોર્ટમાં કોઈ જગ્યા નથી. આવા લોકોને ઉદાહરણરૂપે મોટો દંડ કરવો જરૂરી છે. તેઓને જુલાઈ-૨૦૨૨માં હાઈકોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો આ અરજીમાં જાહેરહીત નહીં હોય તો તેઓને ખુબ મોટો દંડ કરવામાં આવશે, એ નજર સમક્ષ રાખજો. આમ છતાં અરજદારોએ હાઈકોર્ટની મશીનરીનો દુરૂપયોગ કર્યો છે. જેથી આ સાતેય અરજદારોને મળીને કુલ રૂા.૧.૪૦ કરોડનો દંડ ફટકારવા સાથે ભવિષ્યમાં તેઓની કોઈ અરજી નહીં સ્વીકારવા આદેશ કરવામાં આવે છે', તેમ હાઈકોર્ટે ઠરાવ્યું છે.