યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટઃ લોખંડી સુરક્ષા જાપ્તો

- દિલ્હી બ્લાસ્ટના પગલે સોમનાથ અને દ્વારકમાં સુરક્ષા વ્યવસૃથા વધારી દેવામાં આવી છે
- દિલ્હીમાં બ્લાસ્ટના પગલે સાવચેતીના પગલાં
રાજકોટ : રાજધાની દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા ભયાનક બ્લાસ્ટના પગલે ગુજરાતની સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલા યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈએલર્ટ જાહેર કરીને લોખંડી સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને બન્ને તિર્થસૃથળે બંદોબસ્ત વધારવા સાથે દરિયાઈ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
સંવેદનશીલ દરિયાઈ સરહદે આવેલાં બન્ને તીર્થસ્થળે બંદોબસ્ત વધારાયો, સઘન વાહન ચેકિંગ, ગેસ્ટહાઉસોમાં પણ ચકાસણી
આ સાથે બન્ને તિર્થસૃથળને સાંકળતા માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને વાહન ચેકીંગ શરૂ કરાયું છે. તમામ ગેસ્ટહાઉસ, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરમાં તથા સોમનાથ આવતાં જતાં મુખ્ય માર્ગો ઉપર જડબેસલાક સુરક્ષા ગોઠવાઈ છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષામાં આવતું હોવાથી હાઈવે સહિત તમામ રસ્તાઓ ઉપર પોલીસની ચેકિંગ સ્કવોર્ડ દ્વારા વાહનોનું તથા શંકાસ્પદ સામાન તથા અવરજવરનું ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાઈવે ઉપર વધારાના બેરીકેટ તથા પોલીસની ટુકડીઓ રાઉન્ડ ધ કલોક કાર્યરત કરાઈ છે. સોમનાથ મંદિરે દર્શનાર્થીઓને ચેકિંગ બાદ જ પ્રવેશ તેમજ ઈલેકટ્રોનિકસ આઈટમો મંદિરમાં લઈ ન જાય તે માટે જીણવટભરી નજર રખાઈ રહી છે. ઘોડે સવાર અને ડોગ સ્કવોર્ડ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ ખડે પગે ફરજ બજાવી રહી છે.
દ્વારકામાં જગત મંદિરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. હિથયારધારી એસ.આર.પી. જવાનોને ખાસ ફરજ સોંપવામાં આવી છે. મંદિર તથા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યું છે. મંદિરમાં પાણીની બોટલ સહિતનો કોઈપણ પ્રકારનો સામાન લઈ જવાની મનાઈ કરી દેવાઈ છે. આ સાથે મહત્વના એવા બેટ દ્વારકામાં પણ દ્વારાધીશ મંદિરને અનુલક્ષીને ચેકિંગ હાઈ એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યું છે. અહીં સંવેદનશીલ વિસ્તાર હોય, અને આસપાસ વિશાળ દરિયાકાંઠો હોવાથી વિવિધ પ્રકારે ચેકિંગ ઉપરાંત બોટ અને વાહન ચેકિંગ પણ વધુ કડક બનાવી દેવામાં આવ્યું છે. ઓખામાં કોસ્ટલ સિકયુરીટી પણ મજબૂત બનાવી તમામ ફિશીંગ બોટનું પણ ચેકિંગ વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ તમામ સૃથળોએ પેટ્રોલિંગ સાથે તમામ ચેકપોસ્ટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ધાબા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના જુદા જુદા પબ્લિક પ્લેસમાં પણ સૃથાનિક પોલીસની ટુકડીઓ દ્વારા કડક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.

