Illegal Mosquito Sticks: સાવધાન! ગુજરાત હાલ એક છૂપા જાહેર સંકટનો સામનો કરી રહ્યું છે, સરકારી તંત્રના નાક નીચે દરેક ઘર સુધી તેનો ધુમાડો પહોંચી ગયો છે. સરકાર હાલ વિકાસ.. વિકાસ.. વિકાસના નામે છાતી પહોળી કરી રહી છે, બજેટમાં મોટી મોટી જાહેરાતો પણ કરી દેવામાં આવી છે, પણ ફૂડ અને આરોગ્યની સુરક્ષાની જ્યારે વાત આવે ત્યારે લોકોને ઠીંગો બતાવી તેના હાલ પર છોડી રહી છે. ન જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાની વાત થાય છે, ન તો તેના પર ગાળિયો કસવા માટે કોઈ પગલાં, બસ રામ રાજ અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડી લોકોને કુણીએ ગોળ ચોંટાડી આત્મસંતોષ માનવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી તંત્ર અને બાબુઓના ગાલ પર તમાચો મારતું એક જાહેર સંકટ ઉજાગર થયું છે. જેનાથી અજાણ હોવાનું સરકાર નાટક કરી શકે છે પણ હાલ અનેક લોકો સરકારી તંત્રની ઉદાનસિનતાના કારણે જ અજાણતા જ તેનો ભોગ બની રહ્યા છે. જેની ચેતવણી HICAએ આપી છે.
આરોગ્ય સામે ગંભીર જોખમો: HICA
ગેરકાયદે મચ્છર ભગાડતી અગરબત્તીઓ માટે ગુજરાત પશ્ચિમ ભારતમાં સૌથી મોટા બજારોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે, લોકોનાં જાહેર સ્વાસ્થ્ય સામે રહેલું આ સંકટ જોખમી છે. કાયદેસરના મોસ્કીટો રિપેલન્ટ સોલ્યુશન પ્રદાન કરતી કંપનીઓ, ભારતમાં ઘરગથ્થુ જંતુનાશકોના સલામત ઉપયોગને પ્રોત્સાહન આપતી બિન-લાભકારી ઉદ્યોગ સંસ્થા - ધ હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિએશન (HICA) જેવી સંસ્થાઓ સાથે મળીને, લોકોને અને સત્તાધીશોને આવા અસ્વીકૃત અને ગેરકાયદેસર મચ્છર ભગાડતી અગરબત્તીઓના જોખમો વિશે સક્રિય રીતે ચેતવણી આપી રહી છે, કેમ કે તે આરોગ્ય સામે ગંભીર જોખમો ઉભા કરે છે. ભારતમાં ગેરકાયદેસર અગરબત્તીનું બજાર અંદાજે રૂપિયા 1800 કરોડથી વધુનું છે. ગુજરાત આ અસુરક્ષિત અને ગેરકાયદેસર ઉત્પાદનોના ઉત્પાદન માટેના સૌથી મોટા હબમાંથી એક છે.
મચ્છર ભગાડનારી અગરબત્તીઓમાં અનધિકૃત રસાયણો!
'હર્બલ'અથવા 'કુદરતી' તરીકે માર્કેટિંગ કરવામાં આવતી ગેરકાયદેસર મચ્છર ભગાડનારી અગરબત્તીઓમાં ઘણીવાર અનધિકૃત રસાયણો હોય છે. લાંબા સમય સુધી તેમના સંપર્કમાં રહેવાથી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓમાં. આ ગેરકાયદેસર અગરબત્તીઓ સ્થાનિક સ્ટોર્સ, સામાન્ય દુકાનો અને ફાર્મસીઓમાં રૂપિયા 10-15ની વચ્ચેની કિંમતે વેચાય છે, પરંતુ લોકો તેમના ઘરોમાં જે જોખમ લાવી રહ્યા છે તેનાથી અજાણ રહે છે.
અન્ય રાજ્યોમાં કાર્યવાહી, ગુજરાતમાં સુસ્તી
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં સરકારના સત્તાધીશોએ કમ્ફર્ટ અને સ્લીપવેલ જેવી ગેરકાયદેસર મચ્છર અગરબત્તીઓ સામે કાર્યવાહીની ગતિને વધુ તેજ બનાવી છે, રાજ્યવ્યાપી નિર્દેશો જારી કર્યા છે, દરોડા પાડ્યા છે અને ઈન્સેક્ટીસાઈડ્સ એક્ટ, 1968 હેઠળ કાર્યવાહીના આદેશ આપ્યા છે, પણ પશ્ચિમ ભારતમાં સૌથી મોટા બજારોમાંનું એક ગુજરાતનું તંત્ર હજુ સૂતું છે.

નિયમોને ધોળીને પી જવામાં આવ્યા!
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના, સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ્સ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB&RC), ભારતમાં મચ્છર ભગાડનાર ઉત્પાદનોમાં ઉપયોગ માટે રસાયણોને મંજૂરી આપતી સત્તા છે. મચ્છર ભગાડતા ઉત્પાદનોમાં ઉપયોગ માટે નિર્મિત કોઈપણ રસાયણનું ઉત્પાદન, આયાત અથવા દેશમાં વેચાણ કરતા પહેલા CIBRC સમક્ષ નોંધણી કરાવવી આવશ્યક છે. સરકારી CIBRCની મંજૂરી ધરાવતા મોસ્કીટો રિપેલન્ટ પાસે CIR (સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ્સ રજિસ્ટ્રેશન) હોય છે, જેનો પેકેજિંગ પર ઉલ્લેખ હોય છે, જે ઉત્પાદનની અધિકૃતતા અને સલામતીની ખાતરી આપે છે. જો કે ગેરકાયદેસર મચ્છર અગરબત્તીઓ માટે મંજૂરી (CIB&RC) મેળવવામાં નથી આવતી. તેમના ઉત્પાદકો ફરજિયાત ત્રણ વર્ષની સલામતી પરીક્ષણની પ્રક્રિયાને બાયપાસ કરે છે, કોઈ પણ નોંધણી નંબરને પ્રદર્શિત નથી કરતા, અને ઘણીવાર ગુણવત્તા અથવા સલામતી માટે કોઈ જવાબદારી વિના શોધી ન શકાય તેવા ઓપરેટરો દ્વારા બનાવવામાં આવે છે.
ધૂપસળીઓમાં ગુણવત્તા નિયંત્રણનો અભાવ
આ વધી રહેલા ખતરા સામે આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા, બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, “અનધિકૃત ધૂપસળીઓ જેવા ધુમાડા આધારિત રિપેલન્ટથી સાવચેત રહો. તે ઘણીવાર ગેરકાયદેસર રીતે આયાત કરેલા અને અમાન્ય રસાયણોમાંથી બનાવવામાં આવે છે. સસ્તી જણાતી આ ધૂપસળીઓમાં ગુણવત્તા નિયંત્રણનો અભાવ હોય છે અને તે સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમો પેદા કરી શકે છે. તેના બદલે, સલામતી અને અસરકારકતા બંને સુનિશ્ચિત કરવા માટે CIBRC-દ્વારા મંજૂર કરાયેલી વિશ્વસનીય બ્રાન્ડના રિપેલન્ટને પસંદ કરો.
HICAની કાર્યવાહી છતાં ગેરકાયદે અગરબત્તીના ઉદ્યોગો ધમધમ્યા
રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે નજીકથી કામ કરતી બિન-લાભકારી સંસ્થા, હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિએશન (HICA) ગેરકાયદેસર ધૂપસળીના ઉત્પાદકો સામે કાર્યવાહી કરી રહી છે. વર્ષ 2018 અને 2024ની વચ્ચે, HICAએ દેશભરમાં આ જોખમી ઉત્પાદનોના ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને વેચાણકર્તાઓ પર 100થી વધુ દરોડામાં મદદ કરી ટેકો આપ્યો છે, જન જાગૃતિમાં વધારો કર્યો છે અને સલામતી માટે નિયમ પાલનને પ્રોત્સાહન આપ્યું છે. પણ સરકાર ઈચ્છે તો વધુ ગંભીર બની લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાંને બંધ અથવા નિયમના દાયરામાં લાવી શકે છે.
ગુજરાતના પરિવારો સુધી પહોંચી ગયો ખતરો
હોમ ઇન્સેક્ટ કંટ્રોલ એસોસિએશનના (HICA)ના સચિવે જણાવ્યું હતું કે, 'મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનો ખતરો વધી રહ્યો છે, તેને જોતાં તેનું નિવારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, એક મોટી ચિંતાની વાત છે ગેરકાયદેસર મચ્છર ભગાડનાર અગરબત્તીઓનો વ્યાપક ઉપયોગ, જે સમગ્ર ગુજરાતના પરિવારો સુધી પહોંચી ગયો છે. ગેરકાયદેસર મોસ્કીટો રિપેલન્ટ ધૂપસળીઓ કમ્ફર્ટ, રિલેક્સ, પાવર, એક્સ્ટ્રા પાવર જેવા શંકાસ્પદ નામોથી વેચાય છે અને તેમાં ગેરકાયદેસર રસાયણો હોય છે, જે CIBRC દ્વારા અધિકૃત નથી. કોઈપણ મોસ્કીટો રિપેલન્ટને સલામતી અને અસરકારકતાના ધોરણોને પૂર્ણ કરવા માટે 3 વર્ષ સુધી સખત પરીક્ષણમાંથી પસાર થવું ફરજિયાત છે, જેથી લોકોને એ જાણીને માનસિક શાંતિ થાય કે આ ઉત્પાદનોનો ઉપયોગ તેમને કોઈપણ રીતે નુકસાન નહીં પહોંચાડે. અનધિકૃત ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત આ ગેરકાયદેસર રિપેલન્ટ ધૂપસળીઓ સરકાર દ્વારા નિયંત્રિત ઉત્પાદન પ્રક્રિયાઓમાંથી પસાર થતી નથી અને ત્વચા, આંખ અને શ્વસનતંત્ર માટેના સલામતીના માપદંડો પર આવશ્યક તપાસનો છેદ ઉડાડી દે છે, જે તમામ ઘરગથ્થુ જંતુનાશક ઉત્પાદનો માટે ફરજિયાત છે.'
ગેરકાયદે મચ્છર ભગાડતી અગરબત્તીનું ગુજરાત એપીસેન્ટર
HICAના સચિવના દાવા મુજબ 'ગુજરાત ગેરકાયદે મચ્છર ભગાડતી અગરબત્તીઓના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્રોમાંથી એક તરીકે ઉભરી આવ્યું છે. આ ગેરકાયદેસર રિપેલન્ટ કાનૂની અને નાણાકીય પ્રક્રિયાઓને બાયપાસ કરીને કરચોરી પણ આચરે છે.
કેવી રીતે બચવું?
'મચ્છરજન્ય રોગથી બચવા માટે, લોકોએ ફક્ત સરકાર દ્વારા માન્ય મચ્છર ભગાડતા ઉત્પાદનોનો જ ઉપયોગ કરવો જોઈએ, જેના પેકેજિંગ પર નોંધણી નંબર (CIRથી શરૂ ખતો) છપાયેલ હોય. નોંધણી નંબર (CIR નંબર) પછી સરકાર દ્વારા અપાયેલી મંજૂરીના વર્ષનો ઉલ્લેખ હોય છે, જે ઉત્પાદનની અધિકૃતતા અને સલામતીની ખાતરી આપે છે.'
મહત્વનું છે કે અનધિકૃત મચ્છર ભગાડતા ઉત્પાદનોનો ઉપયોગ માત્ર સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો જ નથી, પરંતુ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે ભારતની લડાઈને પણ નબળી પાડે છે, કેમ કે તેમની અસરકારકતા પરીક્ષણ વિનાની અને અવિશ્વસનીય હોય છે. ત્યારે હવે સરકારે સફાળી જાગવાની જરૂર છે અને કાર્યવાહીનો દંભ છોડી લોકોનો દમ ન ઘૂંટાય તેવા પગલાં લેવાની જરૂર છે.


