આંબરડી સફારી પાર્ક નજીક વિચરણ કરતુ 14 સિંહનું ટોળુ કેમેરામાં કેદ
સિંહના ટોળા ન હોય એ કહેવત ખોટી પાડતા સાવજો : સાવજોને જંગલ આવાસ વિસ્તાર અને ખોરાક શોધવાની સમસ્યા વચ્ચે અનેકવાર મોટી સંખ્યામાં સિંહોના આટાફેરાના વીડિયો વાયરલ
અમરેલી,: ધારી ગામ નજીક આવેલ ખોડિયાર ડેમ પાસે ગઈકાલે રાત્રીના સમયે આંબરડી સફારી પાર્ક રોડ પર એક સાથે ૧૪ સિંહનું ટોળું જોવા મળ્યું હતું. આમ સિંહના ટોળા ના હોવાની કહેવત ફરી ખોટી પુરવાર ઠરી છે.જિલ્લાના ગીર વિસ્તાર વનરાજોની સંખ્યામાં વધારો થતાં હવે સિંહના રહેઠાણ માટે ટુંકું પડતું હોય, ઉપરાંત સિંહ માટે પીવાના પાણી તથા ખોરાકની પણ હવે જંગલમાં કોઈ વ્યવસ્થા ના હોય ત્યારે પાણી અને ખોરાક માટે વનરાજ હવે નદી કાંઠે અથવા તો મોટા જળાશય પાસે વસવાટ કરી રહયા છે .
ગીર કાંઠાના ધારી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં વનરાજોની સંખ્યામાં વધારો થતાં અને હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે થઈ તથા પીવાના પાણીની શોધમાં તથા પેટનો ખાડો પુરવા માટે થઈ જંગલ વિસ્તાર છોડી અને નદી કાંઠે અથવા તો મોટા જળાશય પાસે વસવાટ કરી રહયા છે. ત્યારે ધારી ગામ નજીક આવેલ ખોડિયાર ડેમ પાસે ગઈકાલે રાત્રીના સમયે આંબરડી સફારી પાર્ક રોડ પર એક સાથે સિંહ, સિંહણ અને સિંહબાળના 14 ના ટોળાએ રોડ ઉપર લટાર મારી હતી. અને આ 14 સિંહનું ટોળું રોડ ઓળંગતું જોવા મળ્યું હતું. જેને ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ મોબાઈલના કેમેરામાં દ્રશ્ય કેદ કરી લીધું હતું. અને આ વીડિયો સોશિયલમાં મીડિયામાં વાયરલ થવા પામેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ધારી ગામ નજીક આવેલ ખોડિયાર ડેમ પાસે બનેલા આંબરડી સફારી પાર્ક રોડ પર છાશવારે સિંહ જોવા મળતાં હોય, ખોડિયાર ડેમ પાસે સિંહોએ વસવાટ કર્યાનું પણ જાણવા મળેલ છે.