- નડિયાદ પાસે ભૂમેલ - કણજરી રોડ ઉપર આવેલી
- અન્ય કર્મચારીઓ સાથે આવી ઘટના ના બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી અને વળતરની માંગ
નડિયાદ : નડિયાદ પાસે ભૂમેલ - કણજરી રોડ ઉપર કાર્યરત અલીશા સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં છેલ્લા ૫ વર્ષથી હેલ્પર તરીકે ફરજ બજાવતો ભૂમેલ ગામનો યુવાન કમલેશ મનુભાઈ પરમાર માલસામાન લઈને લિફ્ટ દ્વારા નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન લિફ્ટ તૂટી પડતા ૨૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અલીશા સ્નેક્સ કંપનીમાં હાલમાં ૪૦૦થી વધુ હેલ્પરો કામ કરી રહ્યાં છે. આ દુર્ઘટના બાદ કંપનીમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને પરિવારજનોના જણાવ્યા અનુસાર, માલસામાનની હેરફેર માટે વપરાતી લિફ્ટના દરવાજા પણ તૂટેલી હાલતમાં હતા અને લાંબા સમયથી હેલ્પરો માટે પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો હતો. કર્મચારીઓ જીવના જોખમે આવી જર્જરિત લિફ્ટમાં કામ કરવા મજબૂર બન્યાં હતા, જેના પરિણામે એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક કમલેશ પરમારના પરિવારજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માગણી કરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, જે રીતે તૂટેલા દરવાજા વાળી લિફ્ટમાં કામ કરાવવામાં આવતું હતું તેનાથી અન્ય હેલ્પરોના જીવ પર પણ જોખમ રહેલું છે. આવી ઘટના ફરીથી કોઈ અન્ય કર્મચારી સાથે ન બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને મૃતક યુવાનના પરિવારને યોગ્ય વળતર તથા ન્યાય મળે તેવી માગણી કરવામાં આવી છે.


