Gujarat

સતત બીજા દિવસે પણ દોઝખ જેવી પરિસ્થિતિ, મધુમાલતી આવાસના રહીશોના ઘરમાં પાણી,સત્તાધીશો કાર્યક્રમોમાં વ્યસ્ત

By GS TEAM
21 Jun 20252 mins read
સતત બીજા  દિવસે પણ દોઝખ જેવી પરિસ્થિતિ, મધુમાલતી આવાસના રહીશોના ઘરમાં પાણી,સત્તાધીશો કાર્યક્રમોમાં વ્યસ્ત

અમદાવાદ,શુક્રવાર,20 જુન,2025

અમદાવાદના નિકોલમાં આવેલા મધુમાલતી આવાસના રહીશોના ઘરમાં સતત બીજા  દિવસે પણ દોઢથી બે ફુટ પાણી ભરાયેલા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના રહીશો દોઝખ જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. મૃતક જીતુભાઈના મૃતદેહને તેમના ઘરે લાવી શકાયો નહી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે. રહીશો પીવા માટેનુ પાણી પ્રદૂષિત આવતુ હોવાથી બહારથી પાણીના કેરબા મંગાવે છે.જયારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો યોગ દિવસ,મેદસ્વિતા નિર્મૂલન જેવા  કાર્યક્રમોમા વ્યસ્ત છે. મેયરથી લઈ કોર્પોરેશનના કોઈ પદાધિકારી મધુમાલતી આવાસના રહીશોની હાલત જોવા માટે ગયા નથી. વર્ષ-૨૦૧૭માં તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણી જુલાઈ મહિનામાં ભારે વરસાદમાં નિકોલથી મધુમાલતી આવાસ સુધી હોડી લઈ લોકોના ખબરઅંતર પુછવા પહોંચ્યા હતા.

વર્ષ-૨૦૧૪માં મધુમાલતી આવાસ બનાવાયા એ સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોવાનુ સ્થાનિક રહીશોનુ કહેવુ છે.૧૧ વર્ષથી આ પરિસ્થિતિ હોવા છતાં કોર્પોરેશનના સત્તાધીશો મધુમાલતી આવાસમાં દર વર્ષે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે હજી કામગીરી ચાલી રહી હોવાના જાપ જપી રહયા છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે, રહીશોના ઘરની સાથે ઘર બહાર પણ બેથી અઢી ફુટ ગંદા કાળા પાણી ભરાયેલા છે. આ પાણીમાંથી રહીશો,તેમના સંતાનોથી લઈ અબાલ વૃધ્ધ સુધીના સૌને અવરજવર કરવી પડે છે.એક વર્ષ અગાઉ દસ્ક્રોઈના ધારાસભ્ય  ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ, પાણી સમિતિના ચેરમેન દીલીપ બગરીયા મધુમાલતી આવાસમાં ભરાયેલા પાણી જોવા માટે પહોંચ્યાહતા. એ સમયે લોકોએ તેમનો હુરીયો બોલાવતા તમામે ચાલતી પકડી હતી. એ પછીની એક ઘટનામાં સ્થાનિક કોર્પોરેટરના ઘરે માટલા સરઘસ કાઢી મહિલાઓ પહોંચી હતી.આ પ્રકારની ઘટનાઓ એકવાર નહીં પરંતુ વારંવાર બનતી હોવાછતાં નીંભર કોર્પોરેશન અને સત્તાધીશોની આંખ ખુલતી નથી.જેના માઠા પરિણામ રહીશો ભોગવવા મજબુર બન્યા છે.

મધુમાલતીમાં સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી  નવેમ્બરમાં  પુરી થશે

નિકોલ વોર્ડના મધુમાલતી આવાસ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાનો પ્રશ્ન હલ કરવા રૃપિયા ૯.૯૩ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટરલાઈન નાંખવા તેમજ દયાવાન લેક ખાતે સ્ટ્રોમ વોટર પમ્પિંગ બનાવવાની કામગીરી ૩૫ ટકા સુધી જ પહોંચી છે.કામગીરી પુરી કરવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર-૨૦૨૫ નકકી કરાઈ છે.આમ આ ચોમાસામાં પણ મધુમાલતીના રહીશોને પાણી ભરાવાની સમસ્યામાંથી કોઈ રાહત મળે એવી સંભાવના નથી.